9 - મેઘધનુ / હર્ષદ ત્રિવેદી


કોઈને
આવી રીતે ભૂંસી નાખવું
એ કંઈ જેવીતેવી વાત છે ?

અનંતમાં પ્રવેશવાનું
ઈજન આપતો ખૂલ્યો હતો
મેઘધનુષી દરવાજો ભૂરા આભમાં.
એક પળ અંદર જઈ
વિહરવાનું થઈ આવ્યું મન.

પણ, ના.
મારે તો ભૂસવું હતું મેઘધનુષને,
કોઈની આંખો જેવા આકાશને.
ફેરવતો જ રહ્યો નજરોનું ઇરેઝર
એક પછી એક રંગ
આછા થતાં થતાં થઈ જાય ગૂમ !
ન મળે એનાં નામોનિશાન !

હજી પણ
ઇરેઝર તો ફર્યા જ કરે છે
પણ નથી ભૂંસી શકતો આકાશને.
અહીંથી ડૂબેલો રંગ
ફૂટી નીકળે છે બીજે ઠેકાણે !
જેમ ભૂસું છું
વધારે ને વધારે ઘાટા થતા જાય છે લપેડા
થાકતી આંખો માં
ધીરે ધીરે ઊતરી આવે છે.
આખું આકાશ, મેઘધનુ સમેત.
હું આંખો મીંચી
પૂછું મને –
કોઈને ય
આવી રીતે ભૂંસી નાખવું
જેવી તેવી વાત છે ?


0 comments


Leave comment