11 - અધકચરું અજવાળું / હર્ષદ ત્રિવેદી
આજે
સૂર્યાસ્ત સમયે
એવી ક્ષણો પસાર થઈ
જે અસહ્ય હતી.
પંખીઓની પાંખ થકી વિઝાતું
ધૂધળાપણું
ચારેકોરથી ઘેરતું
મૂંગી કરવત થઈ વ્હેરતું
પ્રસરી રહ્યું પળેપળ
કાં તો જોઈએ પૂર્ણ અજવાસ
અથવા ભલે રહ્યો કાળમીઢ અંધકાર
પણ, આ અધકચરું અજવાળું
મને મારા અખડ અનુભવથી
લઈ જાય છે દૂર...
મને પીડે છે, એટલું જ નહીં
કમળની જેમ
મારી બધી પાંખડીઓને બીડે છે !
હું એમાંથી બહાર નીકળવા મથતા
ભમરાની જેમ તરફડું છું
કોકડું વળીને પડેલી રાત સાથે લડું છું.
જોઉં છું કે -
ધીરે ધીરે મને રસ પડે છે આ લડાઈમાં !
લડવામાં ને લડવામાં
ક્યારે સૂર્યોદય થઈ ગયો
એની પણ ખબર ન પડી !
0 comments
Leave comment