11 - પ્રકરણ - ૧૧ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


     ટેવાયેલા પગ ઓફિસનાં દરવાજા સુધી આવ્યા ત્યારે જ નીલકંઠને પોતે કેટલું ચાલ્યો તેનો ખ્યાલ આવ્યો. તે દરવાજામાં પ્રવેશ્યો. લિફ્ટ ઉપર ગઈ હતી. તે દીવાલ સાથે હાથ ટેકવી ઊભો રહ્યો. થોડીક ક્ષણોમાં લિફ્ટ નીચે આવી. લિફ્ટમેને જાળી ખોલી નાખી. નીલકંઠ અંદર પ્રવેશ્યો. પાછળ બે-ત્રણ માણસો આવી ગયા. બધા ચહેરા પરિચિત હતાં – કંટાળી જવાય એટલા પરિચિત. ચલણમાંથી રદ થયેલા સિલ્લા જેવા ‘ગુડ મોર્નિંગ’ના નિરર્થક શબ્દો ઉચ્ચારાયા. નીલકંઠે લિફ્ટમાં જડેલા અરીસામાં જોયું. દાઢી કર્યા વિનાનો નિસ્તેજ ચહેરો જોઈને તેને અણગમો આવ્યો. આજે તેણે ટાઈ પણ નહોતી પહેરી, વાળમાં તેલ નાખ્યું નહોતું. ઓફિસમાં બધા હસશે અને – વિચાર પૂરો થાય તે પહેલાં તે ચોથે માળે પહોંચી ગયો હતો. એક જર્ક સાથે લિફ્ટ થોભી. રોબોટની જેમ બહાર નીકળી તે ગેલેરીમાં આવ્યો. તે સાતેક મિનિટ મોડો હતો, છતાં તેને તરત ઓફિસમાં ગોંધાઈ જવાનું ન રુચ્યું. તે ગેલેરીમાં ઝૂકીને નીચે વહેતી સૃષ્ટિ તરફ જોઈ રહ્યો. આટલી ઊંચાઈએથી માણસો અને વાહનો બિન્દુ જેવડાં લાગતાં હતાં. પણ થોડીક ક્ષણોમાં જ ગેલેરીમાંથી આ રીતે નીચે જોવાનો ઉત્સાહ શમી ગયો અને તે ત્યાંથી ખસીને ઓફિસમાં આવ્યો. એક નાનકડા પણ એરકન્ડીશન્ડ ઓરડાનું સુપરિચિત વાતાવરણ તેને જાણે ઉમળકા વિનાનું હસ્તધૂનન કરી રહ્યું. એડવર્ટાઈઝિંગ એજન્સીની એ ઓફિસમાં મેનેજર શ્રીકાંત કુલકર્ણીની કેબિનનું સતત ઉઘાડબંધ થયા કરતું બારણું, વારંવાર સંભળાતી ઘંટડીઓમાં વ્યક્ત થતી મેનેજરની તીવ્ર-હળવી લાગણીઓ, રણકતો ટેલિફોન અને કડવા-મીઠા સંવાદો, રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટોની નફરત જન્માવે એવી કૃત્રિમ મીઠાશ, દીવાલો પર ફરફરતાં વધારે પડતાં કેલેન્ડરોમાં સમાયેલી ગણપતિના ઉંદરથી માંડીને એપોલો-૧૧ સુધીની સૃષ્ટિ, હાથમાં પોર્ટફોલિયો લઈને આવ-જા કરતાં સ્ફૂર્તિલા કેન્વાસરો, ટપાલ અને તારના થોકડા લઈ પ્રવેશતા અને સહી કરાવી નિ:સ્પૃહભાવે ચાલ્યા જતાં પટ્ટાવાળાઓ, થોડી થોડી વારે ચાના કપ અને પાન લઈ આવતો ઓફિસબોય જોસેફ, ચિરૂટ પીતાં પીતાં ચશ્માં કપાળ ઉપર ચડાવી હંમેશાં ગુસ્સાયેલાં ટોનમાં વાત કરતા આસિસ્ટન્ટ મેનેજર દલાલ અને નીલકંઠની પોતાની મદદનીશ રોમા સંઘવી -
(ક્રમશ:....)


0 comments


Leave comment