5 - મંગલપુષ્પાંજલિ / સરસ્વતીચંદ્ર - ૧ / ગોવર્ધનરામ ત્રિપાઠી


મનને મનસુખનું બીજ દીધું,
રતિ-તંત્ર-સ્વરૂપ અનુપ કીધું;
ગુરુ આશ ખડી શિશુપાસ કરી,
નભ ત્હોય ઉગ્યો ન રવિ-ન શશી.    ૧.

વિધિ ફાવી ચુક્યો કરી સર્વ ક્રિયા,
મનના ૨થ તે મનમાં જ વહ્યા;
વહી નિત્ય, ડુબ્યા મન ટેકવવા,
વિધિના ક૨ ત્હોય નમ્યા-ન નમ્યા.    ૨

તરછોડી રમા હઠી દૂર ઉભી,
ઉરવલ્લી ફુલોથકી ત્હોય લચી;
દિન કંઈક ગયા, દિન કંઈક જશે,
લચી તે ન લચી ન કદાપિ થશે.    ૩

કુમળી હતી ત્યારથકી સિંચી એ,
બળવાળી રૂપાળી બની વધશે;
કંઈ નાચતી એ, ફુલ તે ખરતાં,
નિજ માળી તણે ચરણે પડતાં.    ૪

ફુલ-ગન્ધ ગ્રહો, ઉરમાળી, હવે,
કંઈ આશિષ દ્યો નિજ બાળ-હિતે;
ઉરવલ્લી વિભુતરુ સાથ રમે–
દિન દિન ભીખું તમ આશિષ એ.    ૫


0 comments


Leave comment