1 - સમરું ૐકારા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સમરું ૐકારા ૐકારા ૐકારા.
અનહદ રૂપ લહ્યાં નવ જાવે,
અદ્ભૂત ઓર અપારા;
અદ્ભૂત ઓર અપારા;
સમરું ૐકારા.
અદીઠ દરસન બિન દગ તલસે,
કરવા કેમ દીદારા ?
સમરું ૐકારા ૐકારા ૐકારા
ત્રણ ગુણ કેરી પાંખડીઓ પર
પોઢયા પ્રાણ અમારા;
સમરું ૐકારા.
ગુણપતિ રૂપ ધરી ત્યાં પ્રગટ્યા
ગુનગુનતા ગુણ ન્યારા.
સમરું ૐકારા ૐકારા ૐકારા.
ગેબ ગગનમાં ગુંજન ચડિયાં,
નોધારે આધારા;
સમરું ૐકારા.
બિન તુંબી બિન તાર સુણાવ્યા
સૂર અગમ ગમ બારા.
સમરું ૐકારા ૐકારા ૐકારા.
સૂર પલટીયા, હુવા સોમ ઓર
સોમ હુવા ઉજિયારા;
સમરું ૐકારા.
એ ઉજિયારે વહે નિરંતર
પરમાનંદની ધારા.
સમરું ૐકારા ૐકારા ૐકારા.
0 comments
Leave comment