4 - હેડો શબદ નીસરે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


જેડી કરણીની હોય કમાઈ
     મેરે ભાઈ,
     હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.

દરિયાઇ લહેરું કમ મત માનો,
     મોતી હીંચોળાઈ રે હો જી.
રૂપ ધરે અરૂ રંગ ધરે,
     ધરે અલખની અરુણાઇ
     મેરે ભાઈ,
     હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.

શ્રવણ હોય એ સહેજે સુણે
     ફૂલે ચેત ચડાઈ રે હો જી;
ભાવ ભભક એ તો ભીતર કેરી
     ગુપત ગત રહે ગાઈ.
     મેરે ભાઈ,
     હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.

જ્યોત જ્યોતમેં ભેદ બહુત હે,
     જેસી પંડ પુરાઈ રે હો જી;
પાટે પ્રગટી ઝળહળ જ્યોતિ
     વ્રેમંડ વેધ વધાઈ.
     મેરે ભાઈ,
     હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.

એક શબદ સદગુરુએ દીનો,
     કીની સાન સવાઈ રે હો જી;
કહે સરોદ યહી અકલિત જલમેં
     કલ સકલ મેંને પાઇ.
     મેરે ભાઈ,
     હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.


0 comments


Leave comment