7 - સરોદ બાજે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


બાજે સરોદ બાજે,
    અકલિત કોઈ અવાજે
       બાજે સરોદ બાજે.

કોઈ સમય દે ફૂલઝડી
     સૂરોની સ્નેહ સુહાગી;
કોઈ સમય દે ત્રુટક તૂટતી
     શ્રુતિ વેદના દાગી :
કંઈક નવું, કંઈ અણકલ્પ્યું એ
     વાજી મને નવાજે.
     બાજે સરોદ બાજે.

રાગ ન જાણે, નહીં રાગિણી,
     બજતો તોય સુરાગે;
અદ્ભૂત એ અણજાણ્યા સૂરે
     વણવગડયા શો વાગે:
સૂરાવલીની સુરતા એક જ,
     વાજે એક જ કાજે.
     બાજે સરોદ બાજે.

બજતો રહેજે ઉરે નિરંતર
     મિલન વ્રેહના સૂરે;
તમા નહીં છો તારા સૂરે
     હૈયું નિરંતર ઝૂરે:
હૃદય ઝૂરવા ઓર ચહે છે
     તવ ગુંજે યા ગાજે.
     બાજે સરોદ બાજે.


0 comments


Leave comment