8 - ગોઠડી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


એવા રે હૈયાશું માંડી ગોઠડી હો જી.
લગી જેને લગની લલામ,
ઝગી ઊઠ્યો જેનો આતમરામ,
એવા રે હૈયાશું માંડી ગોઠડી હો જી.

ઝલમલ જ્યોતિ તારે તારે,
સૂર ભલે અથડે અંધારે,
બીજ એ તો ફળવાનાં ક્યારે,
મળશે જ એને ધગિયલ ધામ,
લોહી જેનું રટતું રહે રામ,
એવા રે હૈયાશું માંડી ગોઠડી હો જી.

સૂર મારા નથી કાંઈ નોધારા,
શીતળ એના હૈયે ધારા;
તૃપતિના અનુભવ છે ન્યારા;
તરસ્યા જે રહે આઠો જામ,
મન જેનું ઝૂરે છે અવિરામ,
એવા રે હૈયાશું માંડી ગોઠડી હો જી.

અલખના ગેબી ગહરા સૂરે,
નરવા ને નિરમળિયા નૂરે,
મરમી કો કાજે મનડું ઝૂરે;
દુનિયા છે હરિવરનું ધામ,
મળવાના મનને મુકામ,
એવા રે હૈયાશું માંડી ગોઠડી હો જી.


0 comments


Leave comment