11 - સૂર સનકારે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ગુરુ મારા, તમે રે ભરવાડા,
તોરી હું ગાય.
ચિત્ત મારું ચારો જે ગમ દેખે
એ ગમ ધાય; -
ગુરુ મારા, તમે રે ભરવાડા,
તોરી હું ગાય.
ચેત ચરિયાણે વ્હાલા, તમે તો ચરાવો;
નેહના નવાણે મીઠાં નીર પિવરાવો;
તોય રે મનીષા મારી
ઓખરે અથડાય.-
ગુરુ મારા, તમે રે ભરવાડા,
તોરી હું ગાય.
લીલમ લીલે વ્હાલા, વખવેલ છૂપી;
રાન વેરાને વ્હાલા, અમરત કૂપી;
તમે દરશાવો ત્યારે એ
સત સમજાય. -
ગુરુ મારા, તમે રે ભરવાડા,
તોરી હું ગાય.
આ ગમ લીલું તાણે, એ ગમ વેણા;
કાંઇ નીરખે ન્હૈં મારાં અધઘેલ નેણા,
સૂર સનકારે ઊભી હું
ઉભડક પાય.-
ગુરુ મારા, તમે રે ભરવાડા,
તોરી હું ગાય.
0 comments
Leave comment