54 - રે ! મલાજો કોઈનો / ઉષા ઉપાધ્યાય


રે ! મલાજો કોઈનો ટોકે નહીં આ મોતને,
ને નિ:સાસો કોઈનો ભૂંસે નહીં આ મોતને.

એમ પણ લાગે કદી કે મોત કોઈ સંત છે,
આગ પાણી આંસુઓ રોકે નહીં આ મોતને.

એ ખડગ લઈને સતત સાથે ફરે છે તોય તે,
સૌ નિંદમાં ચાલે સદા જોશે નહીં આ મોતને.

સાથમાં ભરપૂર અષાઢી જે જીવન જીવી ગયા,
એ વિયોગી કોઈ દિન ખોશે નહીં આ મોતને.

પાદરે ઊભેલ ખાંભીને જઈને પૂછજો,
વીર ટેકીલો કદી રુએ નહીં આ મોતને.

આ જીવનનાં ઝેરને જે કંઠમાં ધારી શકે,
નીલકંઠી એ જ બસ મોહે નહીં આ મોતને.


0 comments


Leave comment