56 - તું તરીને આવ / ઉષા ઉપાધ્યાય


તું તરીને આવ અમને કોણ કહે છે ?
જળ સુગંધી લાવ, અમને કોણ કહે છે ?

હું ઊભી છું સાવ સૂના તીર પર આ,
બાંધ ગઠરી ચાલ, અમને કોણ કહે છે ?

આ સુરીલા મંદ વાયુ ચાંદનીને
ભીંજવે, તું આવ, અમને કોણ કહે છે ?

છે દિશામાં તાજગી, લે છેડ તંતુ –
ગા જરા કૈં આજ, અમને કોણ કહે છે ?

કેટલાં દૃશ્યો નયનને દ્વાર ઊભાં !
બંધ કર ને દ્વાર, અમને કોણ કહે છે ?

શું ગગનના ગોખમાં ઝૂક્યા હશે એ !
હાથ આ લંબાવ, અમને કોણ કહે છે ?


0 comments


Leave comment