57 - લો તમારી ના.. / ઉષા ઉપાધ્યાય


લો તમારી ના બની ઝંઝાનું કારણ હોય છે,
એકસાથે આંખમાં દરિયો અને રણ હોય છે.

આમ તો આ સ્કંધ પર બ્રહ્માંડ આખું ધારતા,
પણ તમારી ના – અને આ જાત રજકણ હોય છે.

પળ-વિપળમાં કેટલાંયે છિદ્ર પડતાં નાવમાં,
ને ચિરાતા-ફાટતા કો સઢનું ખાંપણ હોય છે.

ના, ન ગણશો આ કશી ફરિયાદ છે, તકરાર છે,
છે દુવાઓ ને સલામો, એ રસમ પણ હોય છે.

છે ખુદા ને નાખુદા પણ એક આ મઝધારમાં,
શ્વાસ ને ઉચ્છવાસનું બસ એ જ કારણ હોય છે.


0 comments


Leave comment