58 - લો તમારી હા... / ઉષા ઉપાધ્યાય


લો તમારી હા બની મધુમાસ આવી હોય છે,
તર્જ મલ્હારી અહા ! ચોપાસ વરસી હોય છે.

આમ તો રે ! વેદનાના પ્હાડ કેવા ભીંસતા !
પણ તમારી હા – અને આ જાત પંખી હોય છે.

પળ બની આ મોગરો ને જૂઈ, વરસી એટલી,
કે પરાગી સઢ સજી આ નાવ સરતી હોય છે.

ના, ન ગણશો આ કશા ઉન્માદના અલ્ફાઝ છે,
છે સુકૂન આ, છે ઈબાદત, ‘હું’ નમાઝી હોય છે.

શ્વાસ ને ઉચ્છવાસનું બસ એક કારણ હોય છે,
સાત સૂરોની વીણા પર એક નખલી હોય છે.


0 comments


Leave comment