59 - હર પળે આ આંખમાં.. / ઉષા ઉપાધ્યાય


હર પળે આ આંખમાં કૈં પ્યાસ જેવું શું હશે ?
ને તમારી વાતમાં આયાસ જેવું શું હશે ?

લાગતું કે બારણે આવી ઊભું છે ભાગ્ય આ,
એ પળે આ મોતના વિન્યાસ જેવું શું હશે ?

પાંખ ટહુકો ને ગગન, જ્યાં સામટાં આવી મળ્યાં,
ત્યાં સમયના તીરના આ ક્યાસ જેવું શું હશે ?

ને અરે જે હાથમાં હું માનમર્યાદા ધરું,
હાથમાં એ દ્યુતના અભ્યાસ જેવું શું હશે ?

એક પણ અક્ષર ન જાણું, ને નહીં બારાક્ષરી,
આ હૃદયની વેદનામાં વ્યાસ જેવું શું હશે ?


0 comments


Leave comment