60 - દૈવનાં સૌ છળ વળોટી... / ઉષા ઉપાધ્યાય


દૈવનાં સૌ છળ વળોટી લો મલયવત્ સમીપ થૈ ઊભાં અમે,
ઝાંઝવાનાં જળ વચાળે લો અમીઅલ સીપ થૈ ઊભાં અમે.

કેટલાં ઘનઘોર તોફાનો વચાળે સાંપડી ક્ષણ આજની !
કે વરસતો સ્વાતિનો વરસાદ છે ને છીપ થૈ ઊભાં અમે.

ભાલતિલકે સોહતા ચોખા સમી છે આ પળો સંગાથની,
એ સામે લો, સ્થિર જ્યોતે ઝળહતો દીપ થૈ ઊભાં અમે.

ને હવે ના આ સમયનાં તીક્ષ્ણ બાણો શારતાં કૈં હે સખા,
હા, યુયુત્સુ દ્વૈતના દરબારમાં સંદીપ થૈ ઊભાં અમે.

જોજનોનાં જોજનો લગ વિસ્તરેલાં રણ ભલે હો ચોતરફ,
એ અનોખું આપનું વરદાન છે, રણદ્વીપ થૈ ઊભાં અમે.


0 comments


Leave comment