12 - પ્રકરણ - ૧૨ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    - ત્રણેક વર્ષે નીલકંઠે સૂરા ગામને પાદરે પગ મૂક્યો – નીરા સાથે લગ્ન કર્યા પછી તો પહેલી જ વાર. લગ્નની ઘેર જાણ જ નહોતી કરી, માત્ર કોર્ટમાં નોંધાવી દીધાં હતાં. પછી એક પોસ્ટકાર્ડ લખ્યું હતું : ‘મેં લગ્ન કર્યા છે; આશીર્વાદ આપજો – અમને બંનેને.’ કશો જવાબ આવ્યો નહોતો, પણ મહેશભાઈએ એક વાર હાંફળાફાંફળા આવીને કહ્યું હતું : ‘બાપુને બહુ દુઃખ થયું છે. બ્રાહ્મણ થઈને અબ્રાહ્મણ છોકરી સાથે તેં લગ્ન કર્યા-‘ નીલકંઠથી ધીમું હસી દેવાયું હતું. ‘તેઓ તને પ્રાયશ્ચિત-દેહશુદ્ધિ કરાવવા માગે છે; તું ગામ જાય એટલી જ વાર છે.’ એટલે તો નીલકંઠે ગામ જવાનું ટાળ્યા કર્યું હતું. પણ આ વખતે જવું પડ્યું. નીરાનો જ આગ્રહ હતો. મુંબઈના યાંત્રિક જીવનથી કંટાળીને તે ક્યાંક આઉટિંગ માટે જવા ઉત્સુક હતી. ‘તને ત્યાં એક દિવસ પણ નહિ ફાવે; મને જ ઝાઝું ફાવતું નથી ને ! તેમાં યે આપણે લગ્ન પછી પહેલી વાર જઈશું એટલે ક્રોધ અને કચવાટ....’ નીલકંઠે તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ નીરાએ કહ્યું :’લેટ અસ સી – રાધરફેઈસ ધિ સિચ્યુએશન.’ નીલકંઠને પણ લાગ્યું કે ગામ જવાનું ગોઠવાતું હતું એ એના મનના ઊંડાણને રુચતી સ્થિતિ હતી. કેટલો બધો સમય થઈ ગયો એ પરિચિત હવા શ્વાસમાં સમાવ્ય... પણ નીરાની સંગાથની દ્વિધા – અને એવું જ કંઈક બન્યું. તેઓ ગામની ભાગોળે બસમાંથી ઊતરી રસ્તા વટાવી શેરીમાં આવ્યાં એટલે લોકને મન જોણું થયું. નીલકંઠને લાગ્યું કે નીરાએ કમીઝ-સલવારને બદલે સાડી પહેરી હોત તો સારું થાત. તેણે તેને એમ કહ્યું પણ ખરું, એટલે નીરા કંઈક કટુતાથી બોલી : ‘મારે શું પહેરવું, શું ન પહેરવું એ ય આ લોકોને ખ્યાલમાં રાખીને નક્કી કરવાનું, એમ ?’ અને તેણે માથાને એક ધીમો ઝાટકો આપતાં તેના બોબ્ડ વાળ ખભા પર વીખરાઈ ગયા. લોકોનું કુતૂહલ ઘેરું બન્યું. એ જ પરિવેશમાં તેઓ બંને ઘરનો ઓટલો ચડ્યાં – આગળ નીલકંઠ અને પાછળ નીરા. નીલકંઠનાં પગમાં ધીમી ઉતાવળ હતી, નીરાની ગતિમાં નિતાંત સ્વસ્થતા. ઉંબરામાં ઊભા રહીને નીલકંઠે બૂમ પાડી : ‘બા... ભાભી...’ અને એનો સ્વર પારખી ગયાં હોય એમ ગૌરીબા એમની ઉંમર સાથે ન સાંકળી શકાય એવી ગતિએ, આંખે નેજવું કરતાં, બારણાં તરફ દોડી આવતાં વર્તાયાં. ‘કોણ, નારી નીલકંઠ ?’ નીલકંઠે એજ ઉછાળો અનુભવ્યો અને તે ઉંબર ઓળંગી ગૌરીબા પાસે ઝૂકી ગયો. નીરા ઉંબર બહાર જ ઊભી રહી. એને એક ખટકા સાથે ખ્યાલ આવ્યો કે લાગણીના વહેણમાં તણાતાં મા-દીકરાની દુનિયાથી પોતે અળગી હતી; અહીં એ ‘બહારની’ વ્યક્તિ હતી. શ્વાસ રૂંધીને, હોઠ ભીંસીને તે ઊભી જ રહી. છેવટે ગૌરીબાની નજર એના પર પડી. તેઓ સંકોચભર્યા સ્વરે બોલ્યાં : ‘આ... આ કોણ છે, નીલકંઠ ? તારી....’ નીલકંઠે વાક્ય પૂરું કર્યું : ‘હા, બા ! એ નીરા છે.’ અને પછી નીરા તરફ ફરીને, ‘આવ નીરા ! બાને પ્રણામ કર.’ બે’ક પળ ખંચકાઈને નીરા ઉંબર ઓળંગી ઘરના આવી, સેન્ડલ ઉતાર્યા વિના તેણે બે હાથ જોડી ગૌરીબાની નજીક જવાનો પ્રયત્ન કર્યો, પણ ગૌરીબા પાછળ હઠી ગયાં અને બોલ્યાં : ‘જોજે – મને અડકતી નહિ. હું સ્હોળામાં છું.’ અને નીરાના મનમાં પેલા ખટકાએ ફરીથી થડકારો કર્યો. તે કશું બોલ્યા વગર ખસીને નીલકંઠની પાસે ઊભી રહી ગઈ. ત્યાં જયાભાભી આવી પહોંચ્યાં – સ્થૂળ શરીર, વિષાદમાં ઢંકાઈ ગયેલી ચહેરાની ઊજળી રેખાઓ, લોટવાળા હાથ, શરીર પર કંતાન જેવી રેશમી સાડી અને એમાં થીંગડા, માથા પર લુખ્ખા વાળ, કપાળ પર ઊતરી આવેલી સાડીની પહોળી કિનાર, નાકમાં મોટી જડ... ‘આવી પહોંચ્યા નાનાભાઈ ?’ જયાભાભીએ કહ્યું. ‘અને આ કોણ.... તમારી વહુ કે ?’ કહી એમણે આંખો ફાડી નીરા તરફ જોયા કર્યું. ‘હા, ભાભી ! કેમ છે તમારી તબિયત ? અને મોટાભાઈનું મગજ હવે કેવુંક રહે છે ?’ નીરા જયાભાભીના ત્રાટકથી મૂંઝાતી હશે એ વિચારે નીલકંઠે તેમની સાથે વાત કરવા માંડી. જયાભાભીએ સાડીનો છેડો સરખો કરવાનો પ્રયત્ન કરી કહ્યું : ‘મારી તબિયતને શા ઝટકા વાગવાના હતા ? ને તમારા મોટાભાઈનું મગજ તો દિવસે દિવસે...’ અને બાકીના શબ્દો તેમનાથી ન ઉચ્ચારી શકાયા. નીલકંઠથી એક નિ:શ્વાસ નંખાઈ ગયો, ત્યાં એણે ચાખડીઓનો ધ્વનિ સાંભળ્યો. એ ધ્વનિએ જ એને કહી દીધું : બાપુ આવતા હતા. એણે એ દિશામાં દૃષ્ટિ કરી. આછા ઉજાસમાંથી એક આકૃતિ ધીમે ધીમે ઊપસી આવી.

    કમ્મરે જૂનું, મેલું પીતાંબર, ખભે ‘ઓમ નમ: શિવાય’ની છાપથી ભરેલી પીળચટ્ટી પિછોડી, ઊંચી પણ કમ્મરેથી વળી ગયેલી ગરવી કાયા, નબળી પડી ગયેલી તો યે ભીતર તેજથી ઝગારા મારતી આંખો, છાતીનાં ગાઢ વાળની વચ્ચે સ્પષ્ટ દેખાતું શ્વેત જનોઈ, પક્ષાઘાતના હુમલાને કારણે જૂઠો પડી ગયેલો અને સતત ધીમે ધીમે ધ્રૂજતો ડાબો હાથ, જમણા હાથમાં પૂજાપાની થાળી – એમાં તાજાં ફૂલ, બીલીપત્રો, ફળ, ધૂપસળી, અબીલ-ગુલાલનો લાકડાનો ડબ્બો, સોપારી, ચોખા, જનોઈનો જોટો, મોટું કપાળ, માટે આછા સફેદ વાળ, ધોળી મૂછોનો એક જથ્થો, કપાળ પર ભસ્મની અર્ચા અને વચ્ચે ચંદનનું પીત, ફેલાયેલું ટપકું, ફફડતા હોઠોમાંથી વહી આવતી મંત્રલહરી :
सारूप्यं तव पूजने शिवमहादेवेति संकीर्तने !
सामीप्यं शिवभक्ति धुयजनता सांगत्य संभाषणे !!
सालोक्यं च चराचरात्मक तनुर्ध्याने भवानीपते !
सायुज्यं ममसिद्धमत्रभवति स्वामिन् कृतार्थोडस्म्यहभ् !!

    નીલકંઠ થોડીક ક્ષણો સુધી એ આકૃતિ તરફ જોઈ રહ્યો – કેટલી પરિચિત તો યે અપરિચિત અને છતાં આત્મીય.. પછી એ એમની નજીક ગયો અને સકંપ સ્વરે બોલ્યો : ‘બાપુ !’ શિવશંકર શ્લોકરટણા અટકાવી તેની પાસે આવ્યા અને બોલ્યા : ‘કોણ નાનો ? નીલકંઠ ? તું ક્યારે આવ્યો ?’
  ‘હમણાં જ બાપુ !’
  ‘ઠીક.’ કહી શિવશંકરે હાથમાંની પૂજાપાની થાળી ગૌરીબા તરફ લંબાવતાં કહ્યું : ‘લ્યો, આમાં કમળકાકડી મૂકજો, રખે ભૂલી જતાં.’
    ગૌરીબાએ થાળી લેતાં કહ્યું : ‘સાંભળ્યું ? સાથે નીલકંઠની વહુ પણ આવી છે.’
    અને શિવશંકરે એક ક્ષણ એમની તરફ જોયું, પછી એમની ક્ષીણ નજર ચારે તરફ ઘૂમી વળી, નીરા ઉપર જરાક વર માટે સ્થિર થઈ ને વળી તેમણે ગૌરીબા પ્રત્યે જોતાં કહ્યું : ‘એ અબ્રાહ્મણ છે ને ?’

    કોઈએ કશો જવાબ ન આપ્યો.
  ‘એની સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરજો.’ શિવશંકરના સ્વરમાં દૃઢતા તરી આવી.
  ‘પણ બાપુ –‘ નીલકંઠ કશીક દલીલ કરવા ગયો.
  ‘અને નાના, તારે દેહશુદ્ધિ કરવી પડશે; તે પછી જ તું અમારી પંક્તિમાં બેસીને જમી શકશે. તેં ગોત્ર બહાર તો ઠીક, જાતિ બહાર લગ્ન કર્યું છે. આજે મેં તને અને તારી વહુને આ ઘરમાં પગ મૂકવા દીધો છે એ અમારી નિર્બળતા છે. ભોળા શંભુ મને એ બદલ ક્ષમા કરશે કે નહિ તે હું જાણતો નથી. મારે તો શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વર્તવું જોઇશે.’ અને ફરીથી ધીમે ધીમે પગલે તેઓ એ ખંડમાંથી મંદિર તરફ ચાલ્યા ગયા....
(ક્રમશ:....)


0 comments


Leave comment