8.9 - ગ્રહો નડે છે ? તો વૃક્ષ વાવો / સંવાદ / જ્વલંત છાયા


    સામાજિક, આર્થિક પ્રશ્ન લઈ જ્યોતિષી પાસે જઈએ અને તે રાહુની દ્રષ્ટિ, ચંદ્રનો નંગ પહેરી દર સોમેવારે શિવાલય જઈ અભિષેક કરવો, એ બધું પોતપોતાની શ્રધ્ધા મુજબ બધાને સહજ લાગે. પણ કોઈ તમને કહે કે તમારું નામ અમરીશ, એટલે કે મેષ રાશિને ? તમે જો ઉમરાનું વૃક્ષ વાવી તેનું જતન કરો તો મુશ્કેલી દૂર થશે. તો તરત જ ચોંકશો. અરે ભાઈ મારી રાશિ અને વૃક્ષને શું નિસ્બત ? પણ નિસ્બત છે. જેમાં પ્રત્યેક રાશિના લોકો અને વિવિધ નક્ષત્રોનું જન્મેલા લોકોની કુંડળી અને નંગ કે ધાતુને સંબંધ છે તેમજ વૃક્ષ અને માણસની રાશિઓને સંબંધ છે. વૃક્ષને આપણે જેટલું સામાન્ય ગણીએ છીએ એ તેટલું જ અસામાન્ય છે. વૃક્ષો વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તેના કરતા અનેક ગણી વાતો એવી છે કે જે આપણે જાણતા નથી.
તસ્માત સુબહવો વૃક્ષા, રાપ્યા: શ્રેયોડભિવાત્રરછતા પૂત્રવત્ પરિપાલ્યાશ્વ તે પૂત્રા ધર્મત:સ્મૃતા:
    એટલે કે પોતાનું શ્રેય ઇચ્છનારાએ ઘણાં વૃક્ષો રોપવા અને તેનું પુત્રની જેમ જતન કરવું. કારણકે વૃક્ષોને ધર્મ પ્રમાણે પુત્રો લેખવામાં આવ્યા છે અને શાસ્ત્ર એથી પ્રમાણ આગળ કહે છે, કે

ધર્મવિમુખે પૂત્ર: કેવલં સ્વાર્થહેતુભિ, તરુપૂત્રા વરંયે તુ પરાર્થેકાનુવૃત ય:
    ધર્મવિહીન અને માત્ર સ્વાર્થમાં રાચનારા પુત્રોથી શું વળવાનું છે ? એનાં કરતાં તો વૃક્ષો રૂપી પુત્રોથી વળવાનું છે. જેઓ એકમાત્ર પરમાર્થવૃત્તિનું પાલન કરે છે. શાસ્ત્રો-ગ્રંથોમાં વૃક્ષોનું આ મહત્વ છે. હિમાલય જેવા વિશાળ ક્ષેત્રમાં ઊગતા વૃક્ષોએ યુગથી આપણને અકસીર જડી–બુટ્ટીઓ-ઔષધીઓ આપી છે એ આપણે જાણીએ છીએ અને જંગલની નજીક વસતા મનુષ્યો કે અંદર વસવાટ કરતાં પ્રાણીઓ માટે આહાર પણ વન જ પૂરાં પાડે છે એ કંઈ નવું નથી. પરંતુ સંખ્યાબંધ વૃક્ષો માણસના સમગ્ર જીવન પર પ્રત્યક્ષ અસર કરે છે અને જેમ કોઈ દેવી-દેવતાની આરાધના કરવાથી કે કોઈ નંગ પહેરવાથી ઇચ્છીત ફળ મળે કે દુઃખ-દોષનું નિવારણ થતા એવી માન્યતાઓ છે એમ જ ચોક્કસ રાશિવળી વ્યક્તિ ચોક્કસ વૃક્ષ ચોક્કસ જગ્યાએ વાવે તો તે બાબત તેને મદદરૂપ થઈ શકે તેવા ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્રમાં છે.

    સૌરાષ્ટ્રના ખ્યાતનામ જ્યોતિષ જયપ્રકાશ માઢક કહે છે, ‘દરેક ગ્રહોની પૂજા કે શાંતિ માટે અલગ વૃક્ષ સૂચવાયેલા છે. જે ગ્રહનું હવન કરવાનું હોય તેની સમિતા માટે પણ જુદી જુદી વનસ્પતિઓના ઉલ્લેખ કર્યા છે.’

    ગુજરાતભરના થયેલી શ્રીકાર વર્ષાના પગલે વનવિભાગે અનેક વનમહોત્સવો કર્યા, બે વર્ષથી એક નવો અભિગમ શરૂ થયો છે રાશિવન, નવગ્રહવન, નક્ષત્રવન. આ રાશિવન શું છે ? વનવિભાગના મદદનીશ વનસંરક્ષક બી.બી. લિંબાસિયા કહે છે, ‘શાસ્ત્રોમાં વૃક્ષ અને ગ્રહોના સંબંધનો ઉલ્લેખ છે.’ વનવિભાગે આવા ગ્રંથો અને પુરાણોનો આધાર લઇ રાશિવન બનાવવાનું શરૂ કર્યું છે. કુંડળી દોરી તેમાં જે ગ્રહોના ખાનાં હોય તે મુજબ નિશ્ચિત દિશામાં નિશ્ચિત વૃક્ષ વાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે નબળા કે નડતરરૂપ ગ્રહોના પ્રભાવમાંથી મુક્ત થવા માટે મોંઘા રત્નો વપરાય છે એમ જ કેટલીક હાથવગી વનસ્પતિ પણ વાપરી શકાય છે. શાસ્ત્રોમાં થયેલા આદેશ અને ઉલ્લેખ મુજબ સૂર્ય નબળો હોય તો તે વ્યક્તિ બિલ્વપત્ર (બીલી) પીપળો અને આસોપાલવ ઉછેરી શકે છે. ચન્દ્ર ગ્રહની મુશ્કેલી હોય તો ઉંબરો, જાંબુડો અને ખેર વાવી, ઉછેરી કે તેના ઉગેલા ઝાડને પાણી પીવડાવવાથી દોષમુક્ત થવાય છે. મંગળ ગ્રહની શાંતિ માટે ખાખરો, ખીજડો અને રૂખડાની પૂજા કરવી હિતકારી સાબિત થાય છે. બુધની શાંતિ માટે પીપળો, બીલી અને અરડૂસી વાવવા હિતાવહ છે તેમજ ગુરુ ગ્રહની શાંતિ માટે વડ, ચંપો અને અશોક વૃક્ષ વાવી કે ઉછેરીને અથવા પાણી પીવડાવીને શુભફળ પ્રાપ્ત થાય છે. ગરમાળો, ગુલમહોર કે બોરસલી વાવવા કે ઉછેરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે. અને શનિદેવની અર્ચના માટે શમીવૃક્ષ, રાવણો કે તાળવૃક્ષની પૂજા કરી શકાય છે. રાહુના દોષ નિવારણ માટે પીપળો, ચંદન વૃક્ષ વાવીને પાણી પીવડાવી શકાય છે. કેતુની શાંતિ આંબલી, લીમડો અને અર્જુન વૃક્ષ વાવવા-ઉછેરવાથી મળે છે. ગ્રહોની શાંતિ માટે જુદા-જુદા વૃક્ષના મૂળ પણ રત્નો-નંગની જેમ ઉપયોગમાં લઇ શકાય છે. સૂર્ય ગ્રહની શાંતિ માટે બીલીના મૂળને ગુલાબી રંગના દોરામાં બાંધી રવિવારે સવારે ધારણ કરવાથી સૂર્યના દોષો શાંત થાય છે. કેળ કે ભોરિંગણાના વૃક્ષના મૂળને વિધિપૂર્વક પીળા કે કેસરી રંગના દોરામાં ધારણ કરવાથી-પહેરવાથી ગુરૂના ગ્રહની પીડા શાંત થાય છે.

     જ્યોતિષશાસ્ત્રે બાર રાશિઓ માટે જુદા-જુદા વૃક્ષનો મહત્વને સ્વીકાર્યું છે. મેષ રાશિવાળી વ્યક્તિ ઝેર કોચલું, આમલા કે ઉમરો વાવી એમ ઓમ ભોં ભોંગાય નમ: મંત્ર બોલે કે વૃષભ રાશિના લોકો ઉમરો, જાંબુ કે ખેર વાવી, ઉછેરી તેની પૂજા કરે તો ફળ મળે. એ મુજબ મિથુન રાશિ માટેના વૃક્ષ ખેર, અગર અને વાંસ છે. કર્ક રાશિ માટે વાંસ, નાગકેસર ને પીપળ તથા સિંહ રાશિ માટે પીપળ, વાળ અને ખાખરો સૂચવાયા છે. કન્યા રાશિના વ્યક્તિ પીપળ, જુઈ અને લીલ વાવે–ઉછેરે તો શુભ ફળ મળે છે. તુલા રાશિના જાતક માટે બીલી, અર્જુન અને નાગકેસર સૂચવાયા છે. વૃશ્રિક માટે નાગકેસર, સીમળો તથા સાલ વૃક્ષના વાવેતર કે જતનને શુભ ગણાવાયા છે. ધન રાશિવાળી વ્યક્તિઓ શુભ ફળ કે શાંતિ પ્રાપ્તિ માટે સાલ, નેતર અથવા ફણસ, આકડો કે ખીજડો મકર રાશિ માટે અને ખીજડો, કદમ્બ તથા આંબો કુંભ માટે શુભ ફળદાયક ગણાવાયા છે. મીન રાશિના લોકો આંબો, લીમડો અને મહુડો વાવે તે હિતાવહ છે.

    વર્ષા ઋતુમાં કોઈપણ મહિનાની પાંચમથી કૃષ્ણપક્ષ એટલે વદની તેરસ સુધીમાં રવિ, સોમ, બુધ કે ગુરુ અને શુક્રવારે પૂર્વાભાદૂપદ, ઉત્તરફાલ્ગુની, વિશાખા, રોહિણી કે શતતારા નક્ષત્ર હોય ત્યારે વૃક્ષો વાવવા કે છોડની પૂજા કરવી. આ ઉપરાંત વૃક્ષો કાર્ય સિદ્ધ પણ કરાવી આપે છે. ચંદ્રનું નક્ષત્ર જયારે અશ્વિની હોય અને રવિવાર આવતો હોય ત્યારે ખાખરાના મૂળિયા લઈ આવવાથી બુદ્ધિ તીવ્ર બને, લેખન શક્તિ વિકસે, ચંદ્ર ભરણી નક્ષત્રમાં હોય અનેરવિવાર હોય તો દાડમનું મૂળ લઈ પટારામાં રાખવાથી ધનવૃદ્ધિ થાય છે. આવા સંખ્યાબંધ ઉલ્લેખ છે અમદાવાદના જ્યોતિષી તેજસ ઝવેરી કહે છે, ‘આરાધ્ય વૃક્ષો અને વૃક્ષ તથા ગ્રહોના સંબંધ ભૃગુસંહિતામાં છે, આયુર્વેદમાં પણ છે. વિવિધ ધાર્મિક વિધિઓમાં ચોક્કસ દેવને ચોક્કસ ફળ કે અર્પણ કરવાનો ઉદ્દેશ એ જ હોય છે.

    વૃક્ષોની આ એક નવી જ બાજુ હવે લોકો સમક્ષ આવી રહી છે. અહીં પણ શ્રદ્ધા-અશ્રદ્ધા, અર્ધશ્રદ્ધા-અંધશ્રદ્ધા જેવી બાબતો ઊભી થશે. જે લોકો નંગ કે વીંટી રત્ન પહેરવાનો, ગ્રહોના અસ્તિત્વની અસરનો કે કુંડળીનો જ વિરોધ કરે છે તેને આ બધું પણ વાહિયાત લાગશે. પરંતુ કોઈપણ શાસ્ત્ર સાચું કે ખોટું એ નક્કી કરવાવાળા આપણે કોણ, કોઈ બાબત માનવી કે ન માનવી તે નક્કી કરવાનો અધિકાર આપણા પૂરતો આપણને હોઈ શકે. પરંતુ એ બાબતનું સત્ય કે તથ્ય પડકારવાનો હક્ક આપણને નથી. રાશિવન કે નક્ષત્રવનનો આ ખ્યાલ આર્યભિષક, વેદપરિચય સહિતના ગ્રંથોમાં છે. આવી રીતે વૃક્ષનો ફેલાવ પરથી પાક કેવો થશે તેની પણ આગાહી શક્ય છે, છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ભારતીય જ્યોતિષાચાર્ય વરાહ મિહીર ‘બૃહત્ સંહિતા’ નામના ગ્રંથમાં કહે છે જે વર્ષે ખાખરો ફૂલેફાલે તે વરસે કોદાર અને બંટી વધુ પાકે છે. મહુડા પર અતિશય ફૂલ આવે તો તે વર્ષમાં ઘઉં પુષ્કળ થાય છે. જાંબુડાના વૃક્ષ પર વધારે જાંબુ આવે તો તે વર્ષે તલ અને અડદ નિપજ પુષ્કળ થાય છે. આ તો માત્ર એક ઝાંખી છે. શાસ્ત્રોએ વૃક્ષોનો અદ્દભુત મહિમા ગાયો છે.
મૂલ બ્રહ્મ ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશવ: પત્રે પત્રે તુ દેવવસ્નામ વૃક્ષરાજ નમસ્તુમ્યંક
    એટલે કે જેના મૂળમાં બ્રહ્મા, શરીરમાં વિષ્ણુ, ડાળીઓમાં શિવ અને દરેક પર્ણમાં દેવતાઓનો વાસ છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું....
 
    હા, ધાર્મિક દ્રષ્ટિએ વૃક્ષોનું મહત્વ ક્યાં ઓછું છે ? શિવને બીલ્વપત્ર ચડે છે કદમ્બ નામ પડે ને કૃષ્ણ યાદ આવે અને ‘બુદ્ધ’, ‘બુદ્ધ’ બન્યા એ ઘટના વૃક્ષ નીચે જ બની હતી. જૈન ધર્મના ૨૪ તીર્થકરોએ જ્ઞાનપ્રાપ્તિ વૃક્ષની નીચે કરી હતી. ઋષભદેવને ન્યગ્રોધ એટલે વડ નીચે, અજીતનાથ સ્વામીએ સપ્તપર્ણિ નીચે, સંભવનાથસ્વામીને સાલ વૃક્ષ નીચે અને સુપાર્શ્ચનાથસ્વામીને શીરષવૃક્ષ નીચે તેમજ ભગવાન મહાવીરને સાલવૃક્ષ નીચે બ્રહ્માલીન લાધ્યું હતું. પણ આપણે ત્યાં વૃક્ષારોપણ એ પણ સરકારી કાર્યક્રમ છે. સંતાનો પેદા કરવામાં સરકારી નીતિને અનુસરવાને બદલે વૃક્ષ વાવવાની જવાબદારી આપણે સરકારને આપી દીધી છે. વૃક્ષો ઉગાડવા કે ઉછેરવાથી ગ્રહોની શાંતિ થાય છે કે નહીં તે શાસ્ત્રો કહે છે અને સમય પુરવાર કરી શકે. વાંરિછતફળ પ્રાપ્તિ થાય છે કે નહીં તે પણ અનુભવ પછી જ ખબર પડે. પણ વૃક્ષો વાવવાથી આપણને ગ્રહો નડતા મટે કે ન મટે, પૃથ્વીની કુંડળી તો ચોક્કસ બદલાઈ જાય. પૃથ્વીના નસીબમાંથી મહાદશા બાદ થઈ જાય અને રાજયોગ લખાઈ જાય...


0 comments


Leave comment