19 - પ્રેમ / હર્ષદ ત્રિવેદી


મને ખબર છે :
એનું એક પણ વચન સાચું નથી.
માથે હાથ મૂકી
કહ્યું હતું મને,
જા આજથી બંધ બધા સંવાદ.
નહીં લોપું મરજાદ !
ને એણે શરૂ કર્યો વિવાદ
એ રીતે ય પાડ્યા કર્યો સાદ !

મને ખબર છે :
એની એક પણ પ્રતિજ્ઞા સાચી નથી.
ગળે હાથ ધરી
કહ્યું હતું મને ,
જા આજથી મળું નહીં કોઈ સ્વપ્ને !
ને એણે શરૂ કર્યું તરવરવું
આંખ સુધ્ધાં ન મીંચવા દીધી મને !

મને ખબર છે :
એનો એક પણ પ્રશ્ન સાચો નથી.
હાથમાં રાખી હાથ
પૂછ્યું હતું મને,
આ વારે તો તું નહીં જ આવે ને યાદ?
કોઈનો ય આવો તે હોતો હશે નાદ?
શોધું છું એનો ઉત્તર
ને ઉત્તરોત્તર...
મને ખબર છે :
દોર સાવ કાચો છે.
એનો પ્રેમ -
માત્ર, એનો પ્રેમ સાચો છે !


0 comments


Leave comment