12 - ભીતર બોલે કોઈ બાવો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ભીતર બોલે કોઈ બાવો
હે જી રે મારે ભીતર બોલે કોઈ બાવો.

સહુને કહે છે, આવો આવો;
હે જી રે મારે ભીતર બોલે કોઈ બાવો.

દુનિયા દોરંગી એને દવલી ન લાગે,
    એ તો મોતનેય કરતો મલાવો;
કહે છે કે દુનિયાની કડવી ને મીઠી, ભાઈ,
    હોંશે પી જાવ કરી કાવો.
હે જી રે મારે ભીતર બોલે કોઈ બાવો.

દાવા અસંખ્ય કરે દુનિયાના લોક,
    એમાં એનો અનોખો એક દાવો;
કહે છે કે દર્દભર્યા દાવાની દાદમહીં
    આવ્યા વિના ન રહે માવો
હે જી રે મારે ભીતર બોલે કોઈ બાવો.

હુંયે સુણુ છું એની વિસ્મિત થઈ વાણ,
    એની વાણીમાં ગૂઢ ગરમાવો;
સૂના સરોદ કેરા સંસારી સૂરમાં
    એ બજવે ન્યોછાર કેરો પાવો.
હે જી રે મારે ભીતર બોલે કોઈ બાવો.


0 comments


Leave comment