13 - તંબૂરાની તાંતે/ મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


કાંઈ તંબૂરાની તાંતે રે
    મારો પીંજાતો મનપોલ;
હું તો પીંજુ એને ખાંતે રે
    હરિ ઝૂલન કાજ અમોલ.

આ રે તંબૂરે તાંતન પહેલાં
    તાંત્યો બાવન બોલ;
તંતુ તંતુએ તંદ્રિલ સરજી
    લખચોરાશી ખોલ રે.
    કાંઈ તંબૂરાની તાંતે રે
    મારો પીંજાતો મનપોલ.

મિલ્યો તંબૂરો રિમઝિમ કરતો,
    મિલ્યો મીતને મોલ;
તાંતે તાંત્યું મન કે એમાં
    છલકી સુરતા છોળ રે.
    કાંઈ તંબૂરાની તાંતે રે
    મારો પીંજાતો મનપોલ.

સુખમ તાંતવા તંતુ મારે,
    પડે ન જરીકે ઝોલ;
હરિવર રાજે સરોદ સરજ્યા
    સુખમનને હિંડોલ રે.
    કાંઈ તંબૂરાની તાંતે રે
    મારો પીંજાતો મનપોલ.


0 comments


Leave comment