14 - છીએ દીવાના દાઝેલ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
અમે અંધકારના છોરુ રે છીએ દીવાના દાઝેલ.
તેજસ કેરી હતી ન સંજ્ઞા કેવળ તમસ તરંગે;
હરતા ફરતા હતા વિહરતા અંધકારના સંગે :
ધરી મનમાયાનું મોરું રે અમે લખચોરાસી ફરેલ-
અમે અંધકારના છોરુ રે છીએ દીવાના દાઝેલ.
તરતો ફરતો દીપક આવ્યો અંધકારને નીર;
ઝબૂક ઝબુકિયો પણ નવ ઠરીયો સૂસવતેય સમીર:
એનું મુખડું મનહર ગોરું રે, એનાં અંગો અગન રસેલ.
અમે અંધકારના છોરુ રે છીએ દીવાના દાઝેલ.
અડી જઈ એ દીપક અમને સરી ગયો રે દૂર;
કરી ગયો રે અડી જતાંમાં કેવું કામણ ક્રૂર !
અવ કથળ્યું જીવન કથોરું રે, અવ તેજ તેજની ટેલ.-
અમે અંધકારના છોરુ રે છીએ દીવાના દાઝેલ
0 comments
Leave comment