16 - અધવારું / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ધરમ ધરું ને હૈયે
હરિ સમરું, કરું
    કોટાનકોટિ ઉપાય રે,
    અધવારું મારું
    લાંબું નહીં સહેવાય રે હો જી;

એક પાય ગોકુળીયે મારો,
    વગડે બીજો પાય રે હો જી;
આમ તો એકે પડે ન પગલું
    આયખું વીતી જાય રે.
    અધવારું મારું
    લાંબુ નહીં સહેવાય રે હો જી.

દૂધ-દહીંનાં મટકાં ખાલી,
    માણસ કેમ જમાય રે હો જી?
એ વિણ મારું મનડું તલસે,
    આ તો અનરથ થાય રે.-
    અધવારું મારું
    લાંબુ નહીં સહેવાય રે હો જી.

મોહન, એવી મુરલી બજવો,
ગોકુળિયું વીસરાય રે હો જી;
    વનરાવનને મારગ દોડે
    તો જ સરોદ સુખ પાય રે. -
    અધવારું મારું
    લાંબુ નહીં સહેવાય રે હો જી.


0 comments


Leave comment