17 - તરસ્યો જાય તોખાર / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કોઈ અનહદના ઓવારે રે
કોઈ પ્રેમળ પારાવારે રે મારો તરસ્યો જાય તોખાર.
કંઇક સમંદર ખારા વટિયો;
અગન થકી પાછો નવ લટિયો;
રટિયો રે નિજ જોમ તણું એ માતમ વારંવાર : -
રે મારો તરસ્યો જાય તોખાર.
જ્યોત તણી ઝલકુંમાં નાયો;
શૂન્ય તણે સંચાર સમાયો;
કદમ ન ડગિયાં, નેણા લગિયાં તૃપ્તિ તણે તવાર: -
રે મારો તરસ્યો જાય તોખાર.
તરસ ન છીપી અવ લગ, હરિવર !
અશ્વ થયો છે તરવર તરવર;
સરોદ, ક્યાં લગ રહી શકીશ હું અશ્વ તણો અસવાર?
રે મારો તરસ્યો જાય તોખાર.
0 comments
Leave comment