18 - જીવન વલોવે ઝીણી ઝેરણી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે :
એનું ઝીણું વલોણુ ના'વે બાર :
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે .
મારે મટકે મહીડાં હવે થીજિયાં રે;
એને હલવે ચલવેય થિર એ રહ્યાં રે;
એની ઝવતી ન સ્હેજ હવે ધાર :
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે .
એમાં જાણું ન ક્યાંથી પડી ઝેરણી રે;
એ તો ઝીણીઝીણી ને તોય છે ઘણી રે;
એ છે ઊતરી ગઈ આરંપાર :
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે.
એ તો હળવે મહીડાં વલોવતી રે;
એની આંખે અણદીઠ રહેતી ગતિ રે;
તોય દે છે વલોવી તારતાર;
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે.
એનો નીરવ અવાજ સંભળાય ના રે;
એ તો ગાય છે એવું કે જાણે ગાય ના રે;
એથી નિશ્ચે નવનીત છે આ વાર:
મારું જીવન વલોવે ઝીણી ઝેરણી રે.
0 comments
Leave comment