19 - નયન કરો હરિયાળાં / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હરિ, અમ નયન કરો હરિયાળાં;
   આતમ ઓજસવાળાં;
      હરિ, અમ નયન કરો હરિયાળાં.

ચર્મચક્ષુઓ ભવદવ દેખે,
   દેખે નહીં હરિયાળી;
ભીતર કેરી દૃષ્ટિ વિના રહે,
   દુનિયા દુર્દમ કાળી :
   હરો જટિલ જમજાળાં.
      હરિ, અમ નયન કરો હરિયાળાં.

અંધ નયનને ઓજસ આપો,
   તિમિર દિયો અમ ટાળી;
દુઃખદવના અંધાર મહીં હરિ,
   પ્રગટો દિવ્ય દિવાળી :
   ખોલો તમનાં તાળાં.
      હરિ, અમ નયન કરો હરિયાળાં.

ઝલક દિયો દર્શનિયાં કેરી
   મૂર્તિ ધરી મમતાવાળી;
ભાસ્વત ભોર મહીં પલટાવો,
   રાત અમારી કાળી :
   અજર દિયો અજવાળાં.
      હરિ, અમ નયન કરો હરિયાળાં.


0 comments


Leave comment