20 - તંબૂરો મને બજાવે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


તંબૂરો મને બજાવે,
   મંજીરાંની મીઠી રણઝણ રોમરોમ ઝણણાવે,
      તંબૂરો મને બજાવે.

એક સમય તંબૂરાતારે ફરી આંગળી મારી;
સૂરાવલીઓ સરી સાંવરી નિત નવ ન્યારીન્યારી;
આજ સુરાવટ સાવ અનોખી ભીતરિયું ભભૂકાવે.
      તંબૂરો મને બજાવે.

કહે સુરાવટ, હું જ છું ભજનિક, તું કેવળ તંબૂરો;
તારા અંતરમાં ઉદભવતા એ છે મારા સૂરો;
અનાદિથી રણઝણતો આવ્યો ભક્તિભાવના દાવે.
      તંબૂરો મને બજાવે.

આજ હું બેઠો એક ખૂણમાં તનની ખોળ ચડાવી;
કોઈ ખોળલે લઈ ગાય એ સૂરાવલી છે ગાવી;
નિજનું કશુંય કોણ ગાય અવ ? સરોદ નજરે ના'વે.
      તંબૂરો મને બજાવે.


0 comments


Leave comment