21 - ગિરનારી બાવા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અમે ગહન ગિરનારી બાવા :
જનમ ધરીએ ધૂન મચાવા :
અમે ગહન ગિરનારી બાવા.

ભસમ નહીં, નહીં કૌપિન અંગે;
રમીએ નવ રસ કેરા રંગે,
કરીએ સહુ સંસારી સંગે,
સાજન માજન જેમ મલાવા :
અમે ગહન ગિરનારી બાવા.

કેવી અચાનક આ જગ જૂઠે
હરિવર કેરી કિરપા જૂઠે !
કંઠ અમારા કોળી ઊઠે;
ગીત રચીએ સહુને ગાવા :
અમે ગહન ગિરનારી બાવા.

અમે ન કોઈ કંથા ધારી;
અલગ નહીં તોયે અલગારી;
છેક અનોખી અમ દિલદારી;
બજવી રહીએ પ્રેમળ પાવા :
અમે ગહન ગિરનારી બાવા.


0 comments


Leave comment