22 - માલધારીના મછવા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અમે માલધારીના મછવા.
હુકમ મળ્યે હંકારી મૂકીએ
    મોંઘો માલ વિતરવા. -
    અમે માલધારીના મછવા.

સત સુકાન ને હેત હલેસાં
    નાવ ભલે ને કૂડી;
માલ ભર્યો છે માલિક કેરો
    એ જ અમારી મૂડી :
સ્થાન મળે જો સ્હેજ, અમારે
    નેહ ધરી નાંગરવાં. -
    અમે માલધારીના મછવા.

વિસ્મય જેવી વાત કે વામન
    વિરાટ સંગ ઝઝૂમે;
પા પા પગલી ભરતાં પ્રીતે
    ચૌદ ભુવનમાં ઘૂમે
ના ઊંડે જળ ડૂબી જવાનું,
    નહીં છીછરે છબવાં.-
    અમે માલધારીના મછવા.

ના કોઈ અમ, કોઈ પરાયું
    જીવન જળના ઘાટે;
માલિકની મહોબતના પ્યાસી,
    ફરીએ એ જ ઉચાટે :
માલિક ચરણે ધરી કમાઈ
    નૂર નેહનાં રળવાં. -
    અમે માલધારીના મછવા.


0 comments


Leave comment