8.10 - ગુર્જર ગિરાનો વૈભવ વારસો, ભગવદ્દગોમંડલ / જ્વલંત છાયા


    ગુજરાતી ભાષાએ હજી તો કાલીઘેલી શૈલીમાં ડગ માંડ્યાં હતા. આજે હું અને તમે બીલીએ, લખીએ, વાંચીએ છીએ તે ગુજરાતી ભાષાનો ઉદ્દભવ પણ થયો નહોતો તેવા સમયે પાટણમાં સાહિત્યોપાસના કરનાર અને કલિકાળ સર્વજ્ઞનું બિરુદ પામનારા ગુજરાતની આ મહાન વિભૂતિ જ્ઞાનપુરુષ હેમચંદ્રાચાચાર્યે એ રચેલા સિદ્ધહેમ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકી તેની યાત્રા કઢાઈ હતી. સદીઓ પહેલાં બનેલા આ ઘટનાનું પુનરાવર્તન ૧૯૯૧ના નવેમ્બર માસમાં અમરેલીમાં થયું. કવિ રમેશ પારેખને ઓળખનારા અને તેમના નામે ઓળખાનારા તેમના મિત્રોએ જયારે કવિનો વનપ્રવેશ ઉજવ્યો ત્યારે ર.પા.ની સમગ્ર કવિતાના ગ્રંથ ‘છ અક્ષરનું નામ’ની પણ નગરયાત્રા નીકળી હતી અને એવી જ ઘટના ગોંડલમાં પણ બની હતી. જેને લીધે ગોંડલ જગતમાં ખ્યાત છે તેવા જ્ઞાનકેશ ભગવોમંડલની નગરયાત્રા નીકળી. ગોંડલ લખીએ એટલે મકરંદ દવે અને અનિલ જોશી અને ધૂમકેતુથી લઇ અનેક નામોની યાદીની લિંકખૂલી જાય. ગાંઠિયાની સોડમ અને ભજિયાંના સ્વાદ તથા વેરઝેરની દાસ્તાનો, ફિલ્મોમાં દર્શાવાયેલા ગોંડલના મહેલો અને ફિલ્મોમાં દર્શાય છે તેવાં સાચાં મર્ડરોથી ગોંડલ જાણીતું છે. પરંતુ એ લિંક્સ મિનિમાઈઝ કરીને અત્યારે વાત ભગવોમંડલની નગરયાત્રાને નિમિત્ત બનાવી, વાત તેની સર્જનયાત્રાની. ભગવોમંડલ શું છે તે ગુજરાતની જનતાને કહેવાની જરૂર છે ? અનફોચ્યુનેટલી યસ. કદાચ કહેવાની જરૂર ન હોય તો વારંવાર યાદ અપાવવાની જરૂર છે જ.

    ભગવદ્દમંડલના સર્જનની કહાણી આમ તો પુરાણી છે. દેશના અનેક રજવાડાંઓએ બંધાવેલા ભવ્યતિભવ્ય મહેલો તેની કોતરણી, તેનું શિલ્પકામ જેટલું દર્શનીય છે તેના કરતાં અનેકગણો, અભેદ, અખંડ અને આરાધ્ય આ વારસો છે. સામાન્ય ખ્યાલ એવો પ્રવર્તે છે કે ભગવોમંડલ એટલે શબ્દકોષ, ડિક્સનરી-મોટો શબ્દકોષનો, એકવાર નજર તો નાંખશો ખ્યાલ આવશે કે આ તો અજાયબી છે. અરે ટાઈટશેડ્યૂલમાંથી લાઈબ્રેરી જવાનો ટાઈમ ન હોય તો આ મહાનગ્રંથ હવે તો ઓનલાઈન અવેલેબલ છે. લેપટોપ કે સ્માર્ટફોનમાં નેટ શરૂ કરશો, ગુગુલમાં સર્ચ મારશો (આ પણ ભાષાની કમાલ છે, મિસકોલ કે સર્ચ કરવાના હોય આપણે મારીએ છીએ-કોલને કે ભાષાને ?) અને ભગવદ્દમંડલ ખૂલી જશે. એક વખત ભગવદ્દમંડલના એક પાનાં પર પણ પ્રવેશ કરશો પછી ત્યાંથી તરત પાછા નહીં ફરી શકો તે નક્કી છે. એક એક પાનું જ્ઞાનની વિરાટ વનરાજી છે, માહિતીનો અફાટ સાગર છે, નાવીન્યની બે કાંઠે વહેતી નદી છે. ભાષા માટે, ભાષાનો આવો ત્યાં વાદ, વિવાદ આજપર્યત થઇ રહ્યાં છે પરંતુ આપણી ભાષાના નામે આપણે ગુણનુવાદ ક્યારેય થયો નથી. રાજકોટની પ્રકાશન સંસ્થા પ્રવીણ પ્રકાશને એક નહીં બે-બે વાર આ કોશનું પ્રકાશન કર્યું, ગુજરાતમાં પબ્લિકેશન ક્ષેત્રે આ એક ઘટના છે કે કોઈએ પોતાની મિલકતો ગિરવે મૂકી આવા અલભ્ય ગ્રંથનું પ્રકાશન કર્યું હોય! ૧૯૮૭માં પ્રવીણ પ્રકાશને આ જ્ઞાનકોશના નવ ભાગનું પબ્લિકેશન કર્યું. ૨૦૦૭માં આ મહાન કોષનું પુન:પ્રકાશન પણ થયું અને હવે તો તેની સી.ડી. અને વેબસાઇટ પણ છે.

    નર્મદે આપણી ભાષામાં ગુજરાત વનોક્યુલર સોસાયટીના પ્લેટફોર્મ થકી નર્મકોશ પ્રકાશિત કર્યો તે પછી શબ્દો કે ભાષા સંદર્ભનો આવો ગ્રંથ ગુજરાતીઓ પાસે નહતો. ગોંડલના મહારાજા-આમ તો ગોંડલના ચીફ ઓપરેશનલ ઓફિસર કે પછી મેનેજિંગ ડીરેક્ટટર જે કહો તે- તેમણે આ જ્ઞાનકોશની રચનાનું કામ શરૂ કરાવ્યું. ગુજરાતીના પ્રોફેસરો જે વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અકાદમી અને પરિષદોના સામયિકોમાં લખાણો આપવાનું વિચારતા હોય છે તેવી ૫૩ વર્ષની ઉંમરે ભાગવતસિંહજીએ આ કામ શરૂ કરાવ્યું. કોષના રચના માટે કોષ કચેરી રચાઈ, ૧૯૨૮ની ૧ ઓકટોબરે કાર્ય શરૂ થયું અને કોષના કુલ શબ્દોમાંથી ૨૦૦૦૦ શબ્દો હા, ૨૦૦૦૦ શબ્દો મહારાજે પોતે એકઠા કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં નવા સર્જકોએ આટલા શેર તો છંદ-મીટરમાં લખી જ કાઢ્યા હશે!!!

    રાજકાજના સમય પછી દરરોજ સાંજે સાતથી દસ કોષ કચેરી ચાલુ રહેતી. ભાગવતસિંહજીનું જીવનચરિત્ર આલેખનાર રાજેન્દ્ર દવે લખે છે, ભાગવતસિંહજી પોતે કોષના પ્રૂફ વાંચતા. કોષ કચેરીના અધ્યક્ષ ચંદુભાઈ પટેલ હતા. એ સમયમાં એલગિટર-મગરછાપ પન્સિલ અને રાજ બ્રાન્ડ રબ્બર પ્રખ્યાત હતા. બન્નેના બે બે ટુકડા કરાતા. મહારાજ કહેતા. ‘ચંદુભાઈ પેન્સિલ કરકસરથી વાપરજો બીજી નહીં આપું’ આવું ભારેખમ કામ તે પણ એક રાજા આટલી હળવાશથી કરે!! પરંતુ તેમણે કર્યું. આજે આપણી પાસે પચ્ચીસ ભાગમાં ગુજરાતી વિશ્વકોષ તૈયાર છે તે નાની ઉપલબ્ધિ નથી પરંતુ આઠ દાયકા પહેલાં જે રીતે ભગવદ્દમંડલ તૈયાર થયો તે ચમત્કાર ગણવો હોય તો ગણી શકાય!

    જે સમયે ઇન્ટરનેટના સર્ચએન્જિન નહોતાં, વિકિપિડિયા પર માહિતીનો ઢગલો નહોતો થતો અને એક્સર્ટનલ લિંક્સ ખૂલતી નહોતી, પીડીએફ બનતી નહોતી અને વાઈફાઈ ઝોનમાં જઈ હેડઓફિસે કોઈ ડોકયુમેન્ટ મોકલી નહોતું શકાતું એ વખતે ગોંડલની આ કોષકચેરીએ આ ભગવદ્દમંડલની રચના કરી. ૧૯૨૮થી તેનું કામ શરૂ થયું, ગામડામાં, શિક્ષિતો, અભણો, ગઢવી-બારોટો, કવિઓ પાસેથી લેખો, રચનાઓ શબ્દો મેળવાયા, ૧૬ વર્ષના અંતે ૧૯૪૪ની ૨૫મી ઓગસ્ટે ભગવદ્દમંડલનો ૯૦૨ પાનાંનો પ્રથમ અંક તૈયાર થયો. પછી દોઢ દોઢ વર્ષના અંતરે એક એક ભાગ બહાર પડતો રહ્યો અને છેલ્લો ભાગ તા.૯ માર્ચ ૧૯૫૫ના રોજ પ્રસિદ્ધ થયો-ત્યારે જો કે ભાગવતસિંહજી હયાત પણ નહોતાં. પ્રથમ ભાગ ૯૦૨ પાનાંનો અને છેલ્લો ભાગ ૧૦૨૬ પાનાંનો. કુલ હિસાબ માંડી દઈએ તો ભગવોમંડલ જ્ઞાનકોષના નવ ભાગ છે. કુલ ૯૨૭૦ પાનાંઓમાં ૨,૮૧,૩૭૭ શબ્દો તેના ૫,૪૦,૪૫૫ અર્થો તેમાં સમાવાયા છે અને કુલ ૨૮,૨૫૬ રૂઢિપ્રયોગો અપાયા છે.

    ‘અ’થી શરૂ થતા ૨૩,૭૭૬, ‘ક’ ના ૨૫,૭૧૩, ‘ગ’ ના ૧૦૪૫૭ શબ્દો છે. ‘ચ’ ના ૯,૨૩૨ શબ્દો છે, અરૂણ શબ્દના ૪૧, અંધ શબ્દના ૨૩, દમ શબ્દના ૪૦, નીલ શબ્દના ૪૫ અર્થ છે. પાણીના અર્થ અને વિગતોના પાંચ પાનાં છે!! જીભ શબ્દ પર ૫૫, છાતી શબ્દ પર અંગે ૭૨, મન શબ્દ વાળા ૧૪૯ અને મોઢું શબ્દ વાળા ૧૭૩ રૂઢિપ્રયોગો છે. દરેક ધર્મ, પેટાપંથના દેવીદેવતાઓ, તીર્થકરો કે પયગંબરોની વિગતો, વિધિવિધાનોની તેમાં વિગત છે, ફિલોસોફી તેમાં છે તો વિજ્ઞાન છે. મિનરલ્સની પણ માહિતી છે અને તબીબીશાસ્ત્રની પણ સમજ છે. પશુ, પક્ષીઓ, યોગના આસનો અને રોગનાં લક્ષણો, રસોઈકળા અને અશ્વસવારી, શાકભાજી ઉગાડવાની અને જાળવવાની રીતો. દુનિયાના વિવિધ દેશોમાં માણસોનું સરેરાશ આયુષ્ય કેટલું છે ? ગુજરાતના તે વેળાના અને અગાઉના કવિઓ-લેખકોની કૃતિઓમાંથી અનેક સંદર્ભો તેમાં લવાયા છે. શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ અપભ્રંશથી લઈ વિવિધબાબતોની અર્થસભર સમજ તેમાં છે. જોડણીના તમામ નિયમો તેમાં છે. બચુભાઈ રાવતે લખ્યું હતું તેમ કરોડો ગુજરાતીઓના મુખે બોલાતી ગુજરાતી ભાષામાં બે લાખ પંચ્યાશી હજાર શબ્દો છે તેવી જાણ સહુ પ્રથમ ગુજરાતને આપનાર ભગવદ્દમંડલ મહારાજા ભાગવતસિંહજીનો અથાક પરિશ્રમનો પરિપાક છે. કે.એમ.મુનશીએ લખ્યું હતું ‘ઊગતી ભાષાનો કોષ એ માત્ર કોષ નથી. જેમ જોન્સનના કોષે અંગ્રેજી ભાષાને સ્થાયી બનાવી તેમ આ કોષ ગુજરાતી ભાષાના સાહિત્ય અને પ્રયોગમાં જરૂર સ્થાયિત્વ આણશે.’

    અહીં ફક્ત શબો-સાહિત્યની વાત નથી. વનસ્પતિ, દવાની પણ ઊંડી જાણકારી છે. સંગીતની વિશેષ સમજણ છે. જસ્ટ અ સ્મોલ એકઝામ્પલ-પ્રત્યાહત એટલે ‘સિતાર પર છઠ્ઠા પરદા ઉપર એક મજરાબનો આઘાત કરી, ચૌદમાં અથવા તેથી વધારે ઓછા પરદા સુધી આંગળી લઈ જવી તે.’ અરે આવી તો અનેક જાણકારી માં છે. દેશ-વિદેશમાં ઊગતી વનસ્પતિ તેનો રોજીંદા જીવનમાં ઉપયોગની પણ તેમાં વિગતો છે. જેમ કે, ખજીડો – એક જાતનું ઝાડ, એની શિંગોને બાફી શાક કઢી કરે છે...

    એક એક પાનું તો ઠીક એક એક શબ્દ માહિતીથી છલકાય છે. એમ કહીએ કે ભગવદ્દમંડલના પાને પાને ગુજરાતી ભાષાની ચેતના ધબકે છે!!! અને આવો આ વિરાટ, વિશાળ કોષ ગોંડલ સ્ટેટના હીઝ હાઈનેસે તૈયાર કરાવ્યો હતો. ૧૯૨૮માં શરૂ થયેલું તેનું કામ ૧૯૫૪માં સંપન્ન થયું. ભાવતસિંહજી ૧૯૪૪માં અવસાન પામ્યા તે પછી પણ કામ તેમના પુત્ર ભોજરાજજીએ ચાલુ રખાવ્યું, કોષનું કામ સંપન્ન થયું ત્યારે દ્વારિકાપીઠના શંકરાચાર્ય અભિનવતિર્થજીએ એનું પૂજન કર્યું હતું. મહારાજાએ આ કોષની પ્રસ્તાવના લખવાની વિનંતી ગાંધીજીને કરી હતી. અને જવાબમાં બાપુએ લખ્યું, ‘પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી, તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. તમારા કાર્યથી માતૃભાષાની મોટી સેવા થશે તેમ હું માનું છું.’

    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ના ૨૪મી ઓકટોબર, ૧૯૩૫ના અંક અગ્રલેખમાં પી.સી.તારાપોરે લખ્યું હતું, ‘ભગવદ્દમંડલ માત્ર ગુજરાતી બોલનારા વર્ગોને જ નહીં, પરંતુ સમસ્ત હિન્દી (ભારતની ) પ્રજાને અમૂલ્ય થઈ પડશે. ગોંડલમાં મેં જ કાંઈ જોયું તેથી મારાં જ્ઞાન અને ગર્વમાં વધારો થયો છે.’

    ગોંડલ ભગવતબાપુના નામે ઓળખાય છે અને ભગવતબાપુ શું હતા તે જાણવા તો ભગવત ગુણભંડાર પુસ્તક વાંચવું જોઈએ. પરંતુ તેઓ ભગવદ્દમંડલના માધ્યમથી જાણીતા છે, અને આ મહાન ગ્રંથની નગરયાત્રા રવિવારે નીકળી. ગોંડલના રાજકીય, સહકારી અગ્રણી ગોવિંદભાઈ દેસાઈની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમો અંતગર્ત એક કાર્યક્રમ આ નગરયાત્રાનો હતો. ગોંડલે ફરી પોતાની ધરોહરના ઓવરણા લીધાં! આ એક શબ્દકોષ નહીં જ્ઞાનકોષ છે. ફક્ત કોષ કે ગ્રંથ નથી ગુજરાતી ભાષાની એક વિરલ ઘટના છે. એક નવો કમ્પેરેટીવ સ્ટડી થવો જોઈએ કે ભગવદ્દમંડલ જેવું કામ તે સમય ગાળામાં દેશની અન્ય કોઈ ભાષામાં થયું હતું ખરું ?

    માતૃભાષાની સતત ચિંતામાં દૂબળા થતા જતાં લેખકો અને કવિઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોના સંચાલકો કદાચ આ નગરયાત્રા થકી એ સંદેશ હતો કે ફક્ત ચિંતા અને ચિંતાથી બચે. તેના માટે ભાગવતસિંહજીની જેમ ઇનિસ્યેટિવલી કામ કરવું પડે. ફરફરિયાં વહેંચવાથી કે ‘પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ’ તેવો હો-ગોકીરો કરવાથી ભાષા બચે તેના માટે મથવું પડે કોઈ ગુજરાતીમાં ભણતું નથી, કોઈ વાંચતું નથી તેવું બોલી બોલીને ભાષાચાહના દર્શાવનારા મહાનુભાવોએ ભાષા વાંચવાની વિવિધ પ્રવૃત્તિઓમાં સમયનો વ્યય કરવાને બદલે મેઘાણી, મુનશી, નર્મદ, ર.વ.દેસાઈ વિશેની વિગતો તે સર્જન અંગેના સંદર્ભો આપણી ભાષામાં, જે ભાષામાં મને આપણું આવે તેવી ભાષામાં, જે ત્વચા છે તે માતૃભાષામાં કમ્પાઈલ એટલે કે સંકલિત કરવા જોઈએ. ઈન્ટરનેટ પર શોધ કરીએ ને તરત આપણને આપણા શાશ્વતોની વિગતો મળે. કવોટેશન્સ મળે, ગધ્યખંડો મળે તેવું કામ થાય તો ભાષાને જિવાડવાનો પ્રયાસ થવો તેવું કહેવાય. એની વે આ ચર્ચા તો લાંબી છે. ભાષાના ભવિષ્ય અંગેની મોટી ચિંતાઓ વચ્ચે આ એક નાની ઘટનાથી એટલો સંતોષ થયો કે સામાન્ય રીતે અભરાઈ પર રહેતા પુસ્તકોને આપણે ત્યાં અંબાડી પર હવે સ્થાન મળી રહ્યું છે.


0 comments


Leave comment