62 - આ સડક પર.. / ઉષા ઉપાધ્યાય


આ સડક પર ધૂપમાં ખુલ્લા પગે, બસ બે કદમ ચાલી જૂઓ,
હાડને થીજવતી આ ટાઢમાં, બસ બે કદમ ચાલી જૂઓ.

છો તમે દરબારમાં વસનાર, તમને ક્યાં ખબર કૈં હોય છે !
ક્ષણ પછી ક્ષણ કંટકોનો રાહ ત્યાં, બસ બે કદમ ચાલી જૂઓ.

આમ તો શા ભવ્યતાથી ઝળહળે છે આપના સઘળાં બુરજ !
પણ સમયગઢ ભેદતો કો સાદ થૈ બસ બે કદમ ચાલી જૂઓ.

આ ચમકતી રોશનીમાં મન ભરી, બસ બે કદમ ચાલી જૂઓ.
ને વરસતી ચાંદનીમાં મન ભરી, બસ બે કદમ ચાલી જૂઓ.

કે વનોમાં હોય છે કૈં કેટલાંયે વાંસ ઊગી ઝૂલતા !
પણ બની જે બાંસુરી એને લઈ બસ બે કદમ ચાલી જૂઓ.

ને અમે તો આપના બંદા, ચરણને રોજ ચૂમીએ પ્રેમથી,
કો’ક દિન થોડા નમીને સાથ દૈ, બસ બે કદમ ચાલી જૂઓ.


0 comments


Leave comment