63 - સમયના બધાયે વળાંકે... / ઉષા ઉપાધ્યાય


સમયનાં બધાયે વળાંકે મને તું મળે છે,
ધરા કે ગગનમાં સદાયે મને તું મળે છે.

જરા જેટલો ભેદ ક્યાં મોત પણ લાવી શકે ?
મરું તો તરત અગ્નિરૂપે મને તું મળે છે.

મધ્યાહન, સૂર્ય, રેતરણ ને ચરણ હોય ખુલ્લાં,
અચાનક વરસતી ઝરમરે મને તું મળે છે.

તરસ શોક સંતાપ ઝંખા સકલ કૈં સમાવી,
ધબકતા સતત રક્તસ્પંદે મને તું મળે છે.

દિશાઓ ઊમટતી સુગંધે સભર છે સખા હે,
જરા ‘આવ’ કહેતાં જ સઘળે મને તું મળે છે.


0 comments


Leave comment