65 - સમયનાં શિલ્પને../ ઉષા ઉપાધ્યાય


સમયનાં શિલ્પને, લૈ ટાંકણું નાજુક, મઠારું છું,
ગઝલની તસબી લઈને આ નકામો ભવ સુધારું છું.

સહજ ભાવે મળે તેને જ ઉત્સવ જાણી માણું છું,
જખમ કે ફૂલ હો આમિન કહીને દિન ગુજારું છું.

કહે છે શાયરો આ આંખને અંબુજ તેથી તો,
નયનનાં અશ્રુઓને હું ય ઝાકળ જાણી સારું છું.

કદી આશા નથી રાખી પ્રણયમાં પામવાની કૈં,
સતત ઝંખી તમારો સાથ, પછી આ દિલને વારુ છું.

મળ્યાં છે દોસ્તને નામે અહીં ખંજર સભાઓમાં,
છતાં કોઈ આંખમાં ભાળું નમીને દિલને હારું છું.

કરે જો ઘાવ કારી એ જ, જે આ હાથ ઊછર્યા છે,
ધરું છું હાથ ઘાવો પર, હૃદયમાં હેત ધારું છું.

ભલે હો પ્હાડ રસ્તામાં, અડીખમ છું ઈરાદામાં,
ભગીરથ છું, ધરા પર તપ થકી ગંગા ઉતારું છું.

નથી મળતું અહીં કૈં પણ જખમ કારી નિવારીને,
તમે મારો ભલે પથ્થર, ગઝલનાં ફળ ઉતારું છું.


0 comments


Leave comment