66 - કાળની કોણે મિટાવી... / ઉષા ઉપાધ્યાય


કાળની કોણે મિટાવી ચાલ છે,
ખુદ સિકંદર પણ અહીં બેહાલ છે.

આપમેળે આયુધો સૌ મ્યાન થૈ ગયાં,
મોતનું કેવું અનોખું વ્હાલ છે !

આ રૂપાળું પોયણું તે શું હશે ?
મુગ્ધ હસતી ચાંદનીનો ગાલ છે.

ઝેરનો પ્યાલો છલોછલ મોકલે,
આ જગતના એ પુરાણા હાલ છે.

ને હશે મેવાડ તો મીરાં હશે,
એટલું સૌનું મળ્યું બે-વાલ છે.

આ જગતનાં તીર એને શું કરે,
હાથમાં જેના અલખની ઢાલ છે.

સાંકડી દીવાલ સૌ તૂટી જશે,
પ્રેમ નામે જાગતો જગપાલ છે.

ફૂલ સુક્કી ડાળ પર પણ આવશે,
કેમ કે આ હાથમાં કરતાલ છે.


0 comments


Leave comment