67 - શબ્દની ઈંટ માંડીને... / ઉષા ઉપાધ્યાય


શબ્દની ઈંટ માંડીને નિજી એક ઘર બનાવું છું,
ગઝલનાં તોરણોથી હું હવે એને સજાવું છું.

હતી ગિરનારમાં કરતાલ, દ્વારિકા વસે મીરાં,
કલમની સાધનાથી હું, રસમ એની નિભાવું છું.

જીવનનો ખાલીપો ભરવા નથી જાવું સુરાલયમાં,
મળ્યો છે આ છલોછલ જામ આંસુનો, ઉઠાવું છું.

હતી બેરંગ દીવાલો ન’તી સુરખી જરા સરખી,
તમારા સંગના આ રંગની હીના લગાવું છું.

ભલે આકાશમાં તું ઊર્ધ્વમૂલે વ્યાપતો વડલો,
ધરા પર છું, મટુકીમાં સકળ તુજને સમાવું છું.


0 comments


Leave comment