9.1 - અમિતાભ બચ્ચન : વંશ મેં વિભૂતિ નવલ / સંવાદ / જ્વલંત છાયા


    હોલીવુડ અને બોલીવુડ વચ્ચે ઝઘડો થાય, બન્ને દલીલોમાં ઊતરે અને હોલીવુડ કહે  કે ‘મેરે પાસ ટેકનિક હૈ પૂરે વર્લ્ડ કી વ્યૂઅરશીપ હૈ, સ્ટંટ હૈ, એક્શન હૈ, ફિકશન ઓર સાયન્સ ફિકશન હૈ... તુમ્હારે પાસ ક્યાં હૈ ?’ તો હિન્દી ફિલ્મજગત, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું કહી શકે કે ‘મેરે પાસ અમિતાભ બચ્ચન હૈ!’ જે લોકો અમિતાભ બચ્ચનને એક કલાકાર, સુપર સ્ટાર તરીકે જ ઓળખે છે તેમને આ વાતમાં અતિરેક લાગી શકે પરંતુ વ્યક્તિ અમિતાભ અને વ્યક્તિત્વ અમિતાભ અલગ અલગ છે. પર્સન અને પર્સનાલિટી શું છે તેની જીવંત વ્યાખ્યા એટલે અમિતાભ બચ્ચન. તેમની મૂલવણીનો માપદંડ શું ? કેવી રીતે અને ક્યા ધોરણથી તેમના વ્યક્તિત્વ વિશે વાત કરી શકાય ? આમ તો પરિઘ ઘણો મોટો છે પરંતુ ડિગ્રી આપી છે. તેઓ કહે છે ‘ઈ-એફોર્ટ, એ-એચિવમેન્ટ અને એફ-ફ્રેશનેસ એ અમિતાભ બચ્ચનની ઓળખ છે.’ આ વાત હસીને આપણે સ્વીકારી લઈએ પરંતુ અમિતાભની ઓળખનો કોઈ સંતોષ તેમાં ન થાય.

    આપણે સૌ જાણીએ છીએ કે તેઓ એક એવી વ્યક્તિ છે જેઓ જ્યાં જ્યાં ઊભા રહે, ‘લાઈન વહીં સે શૂરૂ હોતી હૈ.’ પરંતુ આ તો કચકડાની પટ્ટીની ઓળખ છે. અમિતાભ બચ્ચનની ફિલ્મી આકૃત્તિ જો ૭૦ એમએમ છે તો તેમનું અંગત જીવન,વ્યક્તિત્વ તેનાથી ઘણું લાર્જર સ્કેલ પર વિકસેલું, વિસ્તરેલું છે. તેમના પિતાએ અમિતના ૩૮માં જન્મદિવસે એક કવિતા લખી હતું, ‘ફૂલનવલ, ગોદનવલ, પૂતનવલ, વંશ મેં વિભૂતિ નવલ...’ અમિતાભ તેમના પરિવારમાં જ નહીં ભારતીય ફિલ્મખેતરના આખા વંશમાં, બોલીવુડની વંશવાળીમાં એક વિભૂતિ છે.

    મૂળ નામ તો ઇન્કિલાબ શ્રીવાસ્તવ પરંતુ પછી પિતા હરિવંશરાયના મિત્ર- કવિ સુમિત્રાનંદન પંતે સજેસ્ટ કર્યું નામ – અમિતાભ. અર્થ તેનો એવો થાય કે જેનો ક્યારેય અંત નથી તેવો અજવાસ. સુમિત્રાનંદને સૂચવેલા આ નામને અમિતાભે સાકાર કર્યું છે. ‘પા’ ફિલ્મમાં તેમના મુખે એક સંવાદ છે- ‘આઈ હેઇટ સ્લો મોશન્સ.’ અમિતાભ એ જીવ્યા છે. તેમના જીવનની તો કોઈ વાત લગભગ અજાણી નથી. એક સંસ્કારી પરિવારમાં થયેલો ઉછેર, સામાન્ય માણસના જીવનમાં બની હોય તેવી લગભગ તમામ ઘટનાઓ, ઉતાર ચડાવ, જીવનના મુશ્કેલ તબક્કાઓમાં પણ ધેર્ય, ખંત અને મહેનત ગુમાવ્યા વગર તેમણે કામ કર્યું. ખરેખર એ વાત સાચી છે-હી હેઇટ સ્લો મોશન. જીવનનો વિરાટ પ્રવાહ અનેક રીતે પલટાયો, અનેક અવરોધોના પથ્થરો વચ્ચે આવ્યા પરંતુ અમિતાભ ધીમા નથી પડ્યા. શરૂઆતમાં સંઘર્ષ, ઇવન ઓલ ઇન્ડિયામાં રેડિયોએ પણ કહ્યું, ‘અવાજ બરાબર નથી.’ રાજેશ ખન્ના, શમ્મી કપૂર જેવા લોકોની વચ્ચેથી માર્ગ કાઢવાનો હતો અને બચ્ચને ફિલ્મી પડદે રડમસ ચહેરા ફક્ત ડાન્સ કરતા સ્ટારને બદલે એક જુસ્સાદાર યુવાન આપ્યો અરે, હીરો પણ કોમેડિયન હોય શકે તે પરંપરામાં કિશોર કુમાર પછી જરા પણ ગેપ વચ્ચે અમિતાભ જ આવે.’ ‘એ એન્થોની ભાઈ મૈ તેરે કો કિતની બાર બોલા મત પી દારૂ...’ કેરિયર સ્થિર થઈ અને કુલીના શૂટિંગ વખતે ઘાયલ થયા. રાજકારણમાં ફરી કામ શરૂ કર્યું, એબીસીએલને ફટકો પડ્યો, પિતા-માતાની વિદાય, પોતાની બીમારીએ બધું જ હતું અને જિવાતી હતી એક જિંદગી.

     મુખ્ય ક્ષેત્ર લઈએ તો અભિનયમાં તેમણે સતત નાવીન્ય ભર્યું છે. અન્ય કલાકારો અને અમિત વચ્ચે હેરલાઈન જેટલો ફર્ક એ છે કે મોટાભાગના સ્ટાર, લોકોને જે ગમે તેવું કામ કરતા હોય છે. જ્યારે આ બાબુ મોશાયએ જે કર્યું તે લગભગ લોકોને ગમ્યું છે. મજાની વાત એ છે કે વીસ-પચ્ચીસ વર્ષ પહેલા નાચતા કે ફાઈટિંગ કરતા અમિતાભ જેમને ગમતા એ જ પેઢીને આજે બાગવાન કે વિરુદ્ધના પિતા કે ભૂતનાથ કે પછી ચિનીકમના ઘાસપુસ ગમે છે! ઝંઝીર, શોલે, ત્રિશૂલ, કાલિયા યારાનાના અમિતાભ અને કાંટે, વિરુદ્ધ, બ્લેક, અક્સના અમિતાભ કેટલા ભિન્ન છે અને વિચેચકો માને છે કે તેમનો સેકન્ડ સ્પેલ વધુ સારો રહ્યો છે. પહેલા તબક્કાના સ્ટાર અમિતાભ ૨૦૦૦ પછી ખરા અભિનેતા બનીને પડદે આવ્યા છે. અને અભિનેતા જ નહીં ભુવનસોમ કે અગ્નિવર્ષમાં વોઇસ ઓવર આપનાર અમિતાભ પછી તો ટીવી શોના એન્કર તરીકે પણ હીટ ગયા. ‘દો બુંદ જિંદગી કી’ની જાહેરાત પણ તેમણે કરી અને તેલની પણ કરી.

    એક્ટિંગની જ વાત હોય તો તટસ્થતાથી કહેવું પડે કે ઇન્ડસ્ટ્રીમાં નસીરૂદ્દીન, ઓમ પૂરી, અમોલ પાલેકર કે પંકજ કપૂર પછી એવાં અનેક નામ છે જેમને અવગણી ન શકાય. પરંતુ બચ્ચનની વાત અલગ છે. કેમ કે હવે તેઓ ફક્ત કલાકાર કે ફિલ્મ ફિલ્ડના જ માણસ નથી.. ગુજરાતના પ્રવાસક્ષેત્રના આ બ્રાન્ડ એમ્બેસેડર સ્વયં ભારતની એક બ્રાન્ડ છે, કારણકે તેઓ ખરેખર ગ્રાન્ડ છે.

    આકર્ષક વ્યક્તિત્વ, ચાર્મિંગ લૂક, પહાડી અવાજ, અપિલિંગ સ્પિચ એ બધું જ ખરું પરંતુ અમિતાભ બચ્ચનમાં સૌથી વધારે કોઈ મહત્વની બાબત હોય તો તેમની ખાનદાની, તેમના સંસ્કાર છે અને પુરુષને એક પૂર્ણત્વ છે યાદ કરો, દિવારનો પેલો ડાયલોગ, ‘મૈ આજ ભી ફૈંકે હુએ પૈસે નહીં ઉઠાતા’ અમિતાભ જયારે આર્થિક મુશ્કેલીમાં ફસાયા ત્યારે ધાર્યું હોત તો નાદારી જાહેર કરી શક્યા હોત પરંતુ એબીસીએલના લેણદારોને તેમણે દૂધે ધોઈને પૈસા આપ્યા. પુત્ર તરીકે માતા-પિતાની ભરપૂર સેવા કરી. વીથઓલ ડ્યૂરિસ્પેક્ટ ફોર જયા ભાદુરી પરંતુ તેઓ ખરા અર્થમાં સૌભાગ્યવતી છે કે આ મહામાનવનું સાંનિધ્ય પ્રાપ્ત થયું. બેડલક ઓફ રેખા! અને એ જ અમિતાભે અભિષેક માટે પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા, પુત્ર અભિષેકની તેઓ સતત સાથે રહ્યા પરંતુ એક કલાકાર તરીકે તેને લોન્ચ કરવાનો પ્રયાસ તેમણે નથી કર્યો. અરે આ જ અમિતાભ શૂટિંગની ત્રણ ત્રણ શિફ્ટ વચ્ચે પણ અભિષેકને નવરાવીને સરસવના તેલનું માલિશ કરવાનો સમય કાઢી જ લેતા.

    અમિતાભે બધું જ કર્યું અને એ ય પાછું ઘણું ઘણું વેઠતાં કર્યું. ‘મર્દ કો કભી દર્દ નહીં હોતા.’ એ સંવાદ ભલે મનમોહન દેસાઈની હીટ ફિલ્મ મર્દમાં અમિત બોલ્યા હોય પરંતુ તેમણે અનેક દર્દ સહ્યાં છે. સરકાર ભલે એવું બોલે, ‘મુજે જો સહિ લગતા હૈ વહી મૈં કરતાં હું, ફોર વો ચાહે સમાજ કે ખિલાફ હો, સિસ્ટમ કે ખિલાફ હો.’ પરંતુ તેઓ મોટેભાગે સિસ્ટમની બહાર જીવ્યા નથી. જીવનની ગરિમા તેમણે જાળવી છે. અમિતાભની જીવનની ક્ષતિઓનું પણ ડોન જેવું છે – ‘ડોન કો પકડના મુશ્કિલ હું નહીં, ના મુમકિન હૈ.’

    કોઈ ભૂમિકા જ નહીં મિત્રતા પણ તેઓ એમ નિભાવી જાણે છે, રેડી ફોર એ ફ્લેશબેક-સાત હિન્દુસ્તાની, અમિતની ફિલ્મ. જે રોલ તેમણે કર્યો તે રોલ પહેલાં ટીનુને કહ્યું, ‘તમારે તો ડિરેક્ટર કે. એ. અબ્બાસ સાથે સારા સંબંધ છે. ભલામણ કરો ને.’ ટીનુએ અમિતનો એક ફોટો અબ્બાસને બતાવ્યો. વાત એમ હતી કે તેમને પોતાને તો ડિરેક્ટર જ બનવું હતું, સત્યજિત રાયની સંસ્થામાં તેમને એડમિશન પણ મળ્યું હતું. અને બસ અમિતને મળી ગયો ચાન્સ. ટીનું આનંદે કહ્યું કે ‘એ રોલ કરીને હું અમિત ન બની જાત પરંતુ તેમણે કેવી દોસ્તી નિભાવી કે એબીસીએલની ફિલ્મો માટે મને ડિરેક્ટરશીપ ઓફર કરી અને અમે મેજરસાહબ બનાવી પણ ખરી.’

    શહેનશાહનું ઓડિયો આલ્બમ થવાનું હતું. ટીનું આનંદે થોડા પૈસાની વ્યવસ્થા કરીને સૂટ સિવડાવ્યો હતો. બચ્ચન બધું જાણે. પાર્ટી શરૂ થઈ અને તેઓ ટીનુને કામ છે તેમ કહી બહાર લઇ ગયા. અચાનક સ્વીમિંગપુલમાં ધક્કો મારી દીધો. ટીનુ તો ગુસ્સે થયા. અમિત કહે, ‘મારે ઘરે જઈ કપડાં બદલી આવ.’ પણ તેઓ ન ગયા. અંતે રાત્રે અમિતે પોતાની કાર મોકલી, ટીનુને બોલાવ્યા. તેમના માટે એક જોડી નવાં કપડાં સાંજથી તૈયાર હતા. શૂઝ પણ હતા અને બચ્ચને કહ્યું, ‘તને મારી ઘડિયાળ ગમે છે ને ? મેં એક લીધી છે તારા માટે.’ ટીનું આનંદના કહેવા મુજબ, અમિતે તેને જે ઘડિયાળ ભેટ આપી તેની કિંમત શહેનશાહના દિગ્દર્શન માટે મળેલી રકમ કરતાં વધારે હતી!!! ટીનુને અમિતે કુલ ૨૪ ઘડિયાળ ભેટ આપી છે.

    હરિવંશરાયના મિત્ર-હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર ધર્મવીર ભારતીના પત્ની પુષ્પા ભરતી બચ્ચનજીને અલ્લાહાબાદ યુનિવર્સીટીએ આપેલો એવોર્ડ પહોંચાડવા ઘરે ગયા, પરત ફર્યા ત્યારે અમિત તેમને દરવાજે સુધી મુકવા આવ્યા. કમાડ ખુલ્યું અને તેમના ચાહકોએ તો બૂમાબૂમ કરી મૂકી. પુષ્પા ભારતીએ અમિતાભનો હાથ પકડી અંદર ધકેલ્યા કે તમે જાઓ. અચાનક એ ભીડને ચીરતી એક યુવતી આવીને પુષ્પાજીને હાથ ચૂમવા લાગી, ‘કહે તમે આ જ હાથે અમિતને અડ્યા હતા ને ? લોકપ્રિયતાની આ એક નાની નાની સાવ નાની ઝલક છે. હા, અમિતાભની ફિલ્મો પણ ફ્લોપ ગઈ, ગઈ જ વળી. ફીલ્મો ફ્લોપ ગઈ છે. અમિતાભ ફ્લોપ ક્યારેય ગયા નથી.


0 comments


Leave comment