14 - પ્રકરણ – ૧૪ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   પણ અહીં પસાર થતાં સમયનો પગરવસરખો યે ક્યાં સંભળાતો હતો ? અહીં તો સમય બરફની જેમ થીજી ગયો હતો; કોઈ સૂર્ય એને પિગાળી શકે તેમ નહોતો.... નીલકંઠને વિચાર આવ્યો. એણે એ નીચા છાપરાવાળા, ગારમાટીથી લીંપાયેલી ફરશવાળા ઘરમાં ચારે બાજુએ નજર ઘુમાવી. મધ્યાહ્ન-સંધ્યા કરી રહેલા શિવ-શંકરનો જમણો હાથ ગૌમુખીમાં ઢંકાયેલો હતો. નીલકંઠે કલ્પી લીધું, એમની આંગળીમાં રુદ્રાક્ષની માળાના મણકાઓ સરી રહ્યા હશે. રુદ્રાક્ષના મણકા સરતા હતા, પણ બાકી બીજું બધું થંભી ગયું હતું – કાળનો પ્રવાહ પણ – આ ઘરની ચાર દીવાલોમાં... ત્યાં પડખેના વાડામાંથી એક વિકરાળ હાસ્ય વીંઝાઈ આવ્યું. વાતાવરણમાંની સ્તબ્ધતા વધારે ઘટ્ટ બની. એ હાસ્ય મોટાભાઈનું હતું. અવારનવાર એમને ગાંડપણનો ઉછાળો આવી જતો હતો. હમણાં હમણાંથી એનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. સ્વસ્થતાના તબક્કા ઘટતા જતા હતા. તેમાં યે મહાશિવરાત્રિ જેવો ઉત્સવ આવતો અને એમની ઘેલછા વધી જતી. હવે એમને લગભગ કાયમ ગાયની ગમાણ પાસેના એક જર્જરિત ઓરડામાં પૂરી રાખવા પડતા. કપડાંનાં ઠેકાણાં ન રહેતાં. ખાવાપીવાનું ભાન પણ ભુલાઈ જતું. ક્યાં સંભળાય છે સમયનો પગરવ ? નીલકંઠને ફરીથી પ્રશ્ન થયો. ગૌરીબાએ જયાભાભી તરફ ફરીથી પૂછ્યું : ‘વહુ ! ચંદ્રાને ખાવાનું આપી દીધું ?’ જયાભાભીના ચહેરા પરની ઊંડી વ્યથા રોષના આવેગ પાછળ કંઈક ઢંકાઈ ગઈ. તેમણે બાહ્ય તિરસ્કારથી સભર સ્વરે કહ્યું : ‘બધાં મારું કાળજું ખાવા બેઠાં છે !’ એમનો આ તિરસ્કાર અટૂલો પડીને વીખરાઈ ગયો. પિતાના હાથમાંની માળા વેગથી ફરવા લાગી. એમના હોઠનો ફફડાટ વધી ગયો. ગૌરીબાએ જાણે જયાભાભીના શબ્દો સાંભળ્યા જ નથી એમ કર્યું. નીલકંઠ ત્યાંથી ઊઠી નીરા એક ખંડમાં એકલી બેઠી હતી ત્યાં ગયો. નીરાએ તેની સામે જોયું અને પછી તરત મુખ ફેરવી લીધું. ‘કેવું લાગે છે અહીંનું વાતાવરણ ?’ નીલકંઠે સહજપણે પૂછ્યું. નીરાએ પહેલાં કશો જવાબ ન આપ્યો, પછી ધ્રૂજતા હોઠે તે બોલી : ‘વાતાવરણ? હું આવું જાણતી હોત તો અહીં મેં પગ જ ન મૂક્યો હોત.’
  ‘મેં તો તને પહેલેથી જ કહ્યું હતું.’
  ‘પણ મને આટલી કલ્પના નહિ. અહીં તો હું જાણે માણસ જ ન હોઉં એમ મારી સાથે બધાએ વર્તવા માંડ્યું છે. મારો અપરાધ માત્ર એટલો જ કે હું બ્રાહ્મણ નથી છતાં તારી સાથે મેં લગ્ન કર્યા છે !’ બોલતાંબોલતાં નીરાના મુખ પર ઘેરી લાલિમા ધસી આવી.
    આછા ઉજાસ વચ્ચે, કટોકટીની એ ક્ષણોમાં ય નીલકંઠને નીરાના ચહેરાની એ છટા આકર્ષક લાગી. એને થયું, આવી વિપ્લવી મુખમુદ્રા હમણાંથી પોતે કેમ રચી શકતો ન હતો ?નીરાનો આ અણગમો, તેની આ અકળામણ, આ નારાજગી શું મનોમન તેને પ્રશંસાપાત્ર લાગતી નહોતી ? છતાં તે સભર હૈયે તેને કેમ પુરસ્કારી લેતો ન હતો ? શા માટે તેણે અબ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરવા બદલ પ્રાયશ્ચિતની વિધિ કરવાના બાપુના આદેશનો સ્વીકાર કર્યો ? શા માટે તેણે તેનો ઇનકાર ન કર્યો ? આ ધૂળિયું ગામ, આ સામાન્ય માનવીઓ, એમના જૂના, જર્જરિત સંસ્કારો, એમની ધાર્મિક ઘેલછાઓ, એમના આઉટ-ઓફ-ડેઈટ રિવાજો અને માન્યતાઓ, વિશાળ સૃષ્ટિ સાથેના અનુસંધાનનો એમના જીવનમાં વર્તાતો અભાવ, એ બધું શું પોતાને ય પોતે સમજતો થયો ત્યારથી પ્રથમ શંકાસ્પદ, પછી કંટાળાજનક, તિરસ્કારપાત્ર અને અંતે દયાજનક લાગતું નહોતું ? પોતે એ જ વાતાવરણમાં જન્મ્યો અને ઊછર્યો હોવા છતાં ! નીરાએ તો એના આજ સુધીના આયુષ્યમાં આ સંકીર્ણતા, આ રૂઢીચુસ્તતા અને પાબન્દીઓ પહેલી જ વાર જોયાં-અનુભવ્યાં, વાસ્તવમાં હજી તો એ અનુભવોનો આરંભ જ થયો છે; એ શી રીતે એ બધું સહન કરી શકે ? નીરા – મુંબઈમાં જન્મેલી, ઊછરેલી એક આધુનિક યુવતી, જે હોટેલોમાં ઘૂમે છે, એરકન્ડીશન્ડ સિનેમાગૃહોમાં પુરુષ મિત્રો સાથે કલાકો વિતાવી શકે છે, જૂહુના બીચ પર લેટેલી કાયાઓ અને પેઈન્ટિંગ શોમાં ઘૂમતા ચહેરાઓ વચ્ચે શ્વાસ ભરતી નીરા આ રુદ્રાક્ષની માલાઓ, તુલસનાં કૂંડાંઓ, મેલાં છતાં પવિત્ર મનાતાં પીતાંબરો, ઝાંખી પડી ગયેલી તો યે પેઢી-દર પેઢીથી પૂજાતી આવેલી મૂર્તિઓની દુનિયા સાથે શી રીતે એસોશિયેશન્સ રચી શકે; કદાચ રચી શકે તોયે શી રીતે નિભાવી શકે ?.. આ અંધારી અણપ્રીછી વાસથી ઊભરાતી, બાફ મારતી, દુનિયા –

    પણ નીલકંઠે તો નીરાને જુદું જ કહ્યું : ‘નીરા ! અહીંના સંસ્કાર જ જુદા છે. અહીંના લોકોનું જીવન સાવ અલગ છે. થોડાક દિવસ માટે આપણે એડજસ્ટ થઈએ તો એમાં શું ખોટું ? તારા જેવી માટે તો તે એક નવો અનુભવ બની રહેશે.’
    ‘નવો અનુભવ ?’ નીરાના ચહેરા પર કડવાશ ઊભરાઈ આવી. તેણે ઉમેર્યું : ‘આ દેશ પાછળ પડી ગયો તેનું કારણ હવે મને સમજાય છે.’
    ‘તારા દૃષ્ટિબિન્દુને હું સમજી શકું છું, પણ આપણે આ લોકોની માન્યતાઓને તો બદલી શકીએ તેમ નથી.’
    ‘આઈ ડેમ કેર ! લેટ ધેમ ગો ટુ હેલ !’ નીરાએ કહ્યું અને નીલકંઠ ચમકી ગયો. ‘લેટ ધેમ ગો ટુ હેલ’ એ શબ્દો એના માનસમાં ચકરાયે ગયા....
(ક્રમશ:....)


0 comments


Leave comment