9.2 - મહાન નામો : જીવનની જેમ જ વસિયતો પણ રસપ્રદ / સંવાદ / જ્વલંત છાયા


    ‘કવિનું વસિયતનામું’ સાક્ષરોના સુરેશ જોષીની એક કવિતાનું શીર્ષક છે, અને તેની શરૂઆત કંઈક એવી છે – ‘કદાચ કાલે હું નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો...’ આપણી વાત અને કવિતાને તો ફક્ત આ કદાચ કાલે હું નહીં હોઉં એટલો જ સંબંધ છે. કારણકે લગભગ બધું જોવાને કદાચ કાલે હું નહીં હોઉં તો ? મૃત્યુના ડર કે તેના વિચારથી નિરાશ થવાની આ વાત નથી. પરંતુ કોઈ પણને આ વિચાર આવી શકે છે – કલ હો ન હો!! અધ્યાત્મની કેટલીક વિચારધારાઓ તો કહે છે, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા – આપણી જવાબદારીઓ આપણે હોઈએ ત્યાં સુધી પછી આપણે શું કરીએ ? પરંતુ પ્રેક્ટિકલી આ વિચાર ટકી શકે નહીં. જિંદગીભર આયોજનથી ટેવાઈ ગયેલો માણસ, મૃત્યુ પછીના આયોજન પણ જીવતેજીવ કરી નાંખે છે. જેમણે જિંદગી જ બધું વેચી વેચીને કાઢી છે કે પછી જીવન દરમિયાન ઘણું બધું વહેચી દીધું છે, જેમની પાસે સંપત્તિ જ નથી તેમની વાત અલગ છે. બાકી ડાહ્યા, થોડી મિલકતો ધરાવતા લોકો વસિયતનામું તૈયાર કરે છે. અલબત્ત ઈશ્વરને પણ મૃત જાહેર કરનાર ચિંતક ફેડીક નિત્શે કહે છે, ‘મૃત્યુ પામી રહેલો માણસ મરણ પામવા ટાણે જે ગુમાવવાનો હોય તેનાથી ક્યાંય વધુ મહત્વની વસ્તુઓ તેણે કદાચ જીવન દરમિયાન જ ગુમાવી દીધી હોય છે.’ પરંતુ એક સરેરાશ માનવ એવું ઈચ્છે છે કે પોતાનો વારસો, વિરાસત તેના સંતાનો તેમના પછીની પેઢી સાચવે જાળવે. કોઈ સામાન્ય વ્યક્તિના વીલ તો વકીલ અને તેમના વારસદારો વાંચે ક્યારેક તે નોટિસ સ્વરૂપે ક્યાંક છપાય પરંતુ ખ્યાતી પ્રાપ્તલોકોના વસિયતનામાં ન્યૂઝ સ્ટોરીઝ બને છે. જેમને આપણે સેલિબ્રિટીસ કહીએ છીએ એવા અનેક મહાનુભવોના વીલ પણ તેમના જીવનની જેમ જ રસપ્રદ રહ્યાં છે. વિશ્વ સાથે તેમનો સ્થૂળ સંબંધ કપાઈ ગયો પરંતુ સ્મરણ અને સંપત્તિના કાગળિયા થકી એ જીવ્યા...

    એવા અનેક લોકો જેમણે પોતાના જીવન દરમિયાન ઘણા મોટાં કામ કર્યા હતાં અને તેમનાં કાર્ય, કૌશલ્ય કે કળા જગતના સંખ્યાબંધ લોકો માટે પણ એક મિરાત સાબિત થયાં છે તેવા લોકો પોતાના વારસદારોને શું આપી ગયા ? શું હતું તેમના વીલમાં-ને વસિયતનામાંઓમાં ? જેમનું વીલ અને મિલકત બન્ને વિવાદસ્પદ બન્યા તે પરવીન બાબી હોય કે પછી ઉદ્યોગકાર ધીરુભાઈ અંબાણી... આવા સવાલો સતત ઉઠે, ચર્ચાય. દુનિયાને ઇઝ ઇકવલ ટુ એમ સી સ્કેવરનો મંત્ર આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ૧૯૫૦માં બનાવેલા પોતાના વીલમાં પણ થિયરી ઓફ રીલેટીવિટી બરાબર મેઈન્ટેઇન કરી હતી. પત્નીના મૃત્યુ પછી તેમણે સેકેટ્રી અને હાઉસકીપર એલેના ડીકાસ સાથેના સંબંધો બરાબર નિભાવ્યા અને વીલમાં લખ્યું – ‘મારા વાયોલિન સિવાયની તમામ મિલકતો એલેનાની રહેશે. ૨૦૦૦૦ યુએસ ડોલર ઓરમાન પુત્રી મારગોટને, ૧૫૦૦૦ ડોલર પુત્ર એડર્ડને અને ૧૦૦૦૦ પુત્ર આલ્બર્ટ આઇન્સ્ટાઇન જુનિયરને આપવા તેવું લખ્યું અને વાયોલીનની સૂરિલી વિરાસત પુત્ર બર્નહાર્ડના નામે લખી અને શરત પણ મૂકી કે પોતે મૃત્યુ પામે ત્યારે પુત્ર જો સગીર હોય તો વાયોલિનની સંભાળ તેના પિતા રાખે પુખ્ત થાય ત્યારે બર્નહાર્ડને આપી દે!!

    રોમાંસ અને રોમાંચ બન્ને જેમના જીવનમાં ભરપૂર હતાં અને જેમને લેડી કહેવાનું ક્યારેય મન જ ન થાય તેવા પ્રિન્સેસ ડાયેનાનું અપમૃત્યુ આજે ય ક્ષણસ: યાદ છે. ત્યારે હું રાજકોટના સાંધ્ય છાપાં ‘આજકાલ’માં હતો – નોકરી જ નહીં જર્નાલિઝમ પણ કરતો હતો!!! એ રવિવાર હતો અને રવિવારે સાંજના વર્તમાનપત્રો બંધ રહે. ડાયેનાના અકસ્માત અને મૃત્યુના સમાચાર ટીવીમાં સ્ક્રોલ થયા, ટેલિપ્રિન્ટર પર ફ્લેશ આવ્યો તેની કોઈને જાણ થઈ અને ચાર-પાંચ વ્યક્તિ ઓફિસે પહોંચી ગયા-ખાસ વધારો બહાર પાડ્યો હતો. દેવેન્દ્ર દવે, શિરીષ કાશીકર, મનિષ મેકવાનની સાથે એ વધારામાં ટ્રાન્સલેશન અને ખાસ તો ફોટો કેપ્શન્સ આપવાનું ખિસકોલી કર્મ મેં પણ કર્યું હતું. તેમાં જે લખ્યું તે તો આજેય મારી પાસે છે પરંતુ ડાયેનાનું વીલ કેવું હતું ? ૧૯૯૩ના રોજ તેમણે બનાવેલું વીલ તેમના જીવનની જેમ જ રસ પડે તેવું હતું. નીચે સહી કરનાર હર હાઈનેસ... મૃત્યુ સમયે જો કે રાણી કે રાજકુમારી નહોતાં પરંતુ ૩૫ કરોડની ગંજાવર અસ્ક્યામત પુત્ર વિલિયમ અને પ્રિન્સ હેરીના નામે કરી હતી અને લખ્યું હતું કે મારી મા ફ્રેન્સિસ રૂથસેન, મારા કમાન્ડર જર્મી જેક્સનને હું મારા આ વીલના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરું છું. મારા પુત્રો ૨૪ વર્ષના થાય ત્યાર પછી આ મિલકતના તેઓ હક્કદાર રહેશે. ડાયેનાનું વીલ તો વિસ્તૃત છે પરંતુ ઊડીને આંખે ચોંટે તેવી વાત એ છે કે તેના પહેલા જ પાને મોટરકારનો ઉલ્લેખ છે. અને તે જ કારમાં બોયફ્રેન્ડ અલ ફ્યાદ સાથે જતી હતી ત્યારે કારની સ્પીડ કરતાં કાળની સ્પીડ વધારે થઈ ગઈ અને એકસિડન્ટમાં તેમનું મૃત્યુ થયું. તા. ૧ ઓગસ્ટ, ૧૯૯૭. ડાયેનાની ઉમર ૩૬ વર્ષ.

    અભિનેત્રી-સેક્સ સિમ્બેલ, વ્હોટ્સ અપના યુગમાં એ હોત અથવા તેને યુગમાં વ્હોટ્સઅપ હોત તો ? તેવા સવાલ જેના પોસ્ટર જોઈને થાય, જેના પોઝ જોઈને આજે ય અનેક લોકો પોઝ થઈ જાય છે તે મેરે મેરેલિન મનરોનું અવસાન પણ ૩૬ વર્ષે થયું હતું. અને ગુજરાતમાં-અમદાવાદમાં જયરે કાયપો-કાયપોની બૂમો પડતી ૧૯૬૧ના રોજ સાઇન કરેલા મેરેલિનના વીલમાં લખ્યું હતું કે પોતાની સંપત્તિના ૨૫ ટકા જેટલી રકમ. ડૉ.મેરેન ક્રિસને આપવી. – તે અપાઈ અને તેમાંથી મનરોની ઇચ્છા અનુસાર લંડનમાં બાળકોની મનોચિકિત્સાનું કેન્દ્ર શરૂ થયું. ૨૫ ટકા તેમણે પોતાની માતા માટે રાખી અને બાકીનું બધું તેમણે ટીચર લી સ્ટ્રેસબર્ગના નામે કરી દીધું. હોલીવુડની જાણીતી કલાકાર કેરોલે વીલમાં લખ્યું હતું, ‘મૃત્યુ સમયે ફક્ત પરિવારજનો જ હાજર હોય, કુટુંબીઓને કોફીન તૈયાર કરવા વાળા સિવાય કોઈ તેના મૃતદેહને જોઈ ન શકવા જોઈએ. સફેદ કપડાં પહેરાવીને તેના દેહને કેલીફોનિયાના કબ્રસ્તાનમાં દફ્નાવી દેવામાં આવે... દેવ આનંદે પણ કહ્યું હતું ‘મારો મૃતદેહ-વૃદ્ધ ચહેરો ભારતના લોકો જોવા ન જોઈએ..’ પરંતુ કેરોલના કિસ્સામાં કેવું થયું ? તેનો મૃતદેહ ખરેખર કોઈએ ન જોયો, કારણકે તે પોતાની માતા સાથે વિમાનમાં જતી હતી ત્યારે દુર્ઘટનામાં જ તેનું મોત થયું. કેરોલના વાળ અને ડેન્ટલ રેકોર્ડ પરથી ઓળખ થઇ કે આ અચાનક પેકઅપ થઇ એ જિંદગી તો આ અભિનેત્રી હતી.

    અમેરિકાના એક સમયના પ્રમુખ રીચાર્ડ નિકસના વીલમાં એક વિચક્ષણ રાજનીતિજ્ઞી જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે તેમણે મિલકતો ઉપરાંત પર્સનલ ડાયરીનો ઉલ્લ્ખે પણ વીલમાં કર્યો છે. તેમણે લખ્યું હતું, ‘મારી નોંધો, ટેપ, ફોલ્ડરો, બાઇન્ડર, બૂક વગેરે રીચાર્ડ નિકસનની ડાયરી તરીકે ઓળખાશે. અને તે મારી બે પુત્રીઓ સંભાળશે.’ આ ઉપરાંત તેમણે પુત્ર-પુત્રીઓને હજારો ડોલરોની સંપત્તિ પણ આપી હતી. જ્યોર્જ વોશિંગ્ટનને પોતાની ૩૩૦૦૦ એકર જમીન તથા ૨૫૦૦૦ ડોલર્સના કોરપોરે સ્ટોક, ૬૪૦ ઘેટાં અને ૩૨૯ ગાયો તથા ઘોડા સહિતની સંપત્તિ વીલમાં દર્શાવી હતી અને પોતાની પત્ની ઇજને તેના માલિક ગણાવ્યાં હતાં.

    મહાન નામોની વસિયતો પણ તેમની જિંદગી જેવી હતી-રોમાંચક અને રસપ્રદ!! અમેરિકામાં વસતા હર્બટ ઇ. નાસ નામના એક એર્ટનીએ ‘વીલ્સ ઓફ રિચ એન્ડ ફેમસ’ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં દુનિયાની ૧૦૦ મહાન કે પ્રખ્યાત વ્યક્તિઓના વિલની વિગતો છે. રાજકોટની રોટરી મિડટાઉન લાઈબ્રેરીમાં આ પુસ્તક અવેલેબલ છે. હર્બટ લખે છે, આલ્ફ્રેડ હિચકોક જેવા થ્રિલર રાઇટરનું વીલ તદ્દન સામન્ય છે, નાનું છે. માર્ક ટ્રેવઈન વીલમાં પણ તેને કોઈ ટ્વિસ્ટ નથી જણાતો. અને હર્બટ લખે છે, ‘જ્હોન કેનેડીનું વસિયતનામું પણ સામાન્ય દસ્તાવેજ જેવું હતું. કુદરત જો કે દરેકને આવી તક આપતી નથી. પોતાના ભૂતકાળના આધારે પછીની પેઢીની ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો અવસર દરેકને નથી મળતો. હા, એવા અનેક લોકો છે જેમને પોતાના મૃત્યુનો સંકેત મળ્યો હોય અને ત્યારે કેટલીક સૂચનાઓ-સંદેશ તેઓ આપે તે પણ વીલ ન કહી શકાય ?’ ૧૯૨૯માં મૃત્યુ પામનાર અર્થશાસ્ત્રી થોસ્રટીન વેબ્લેએ અંતિમ સમયની સૂચના આપતાં કહ્યું હતું – ‘મારું મરણ થાય ત્યારે કોઈ રૂઢિગત ખર્ચાળ વિધિ કર્યા વગર મૃતદેહને બાળી નાંખજો. બને તો અસ્થિને સમુદ્રમાં કે તે તરફ વહેતી નદીમાં વેરી દેજો. મારા સ્મરણ કે કીર્તિ અર્થે ક્યાંય મારું નામ કોતરાવશો નહીં. ગુણપ્રસંસા કરતી અવસાન નોંધ, મારી છબિ કે જીવનચરિત્ર છપાવશો નહીં...’ ને આપણા નર્મદ તો વળી જતાં જતાં કેવું કહી ગયા ? ‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી...’


    વસિયતનામું તો કોઈ વ્યક્તિની તેના પરિવાર માટેની ચિંતા કે ચર્ચા-વિવાદનો વિષય ગણાય છે. પરંતુ મહાન ગણાતા લોકોના વીલ મહેફિલે મંડાય છે. ફિલ્મ ગીતકાર હસરત જયપુરી અંતિમ ઇચ્છા એવી દર્શાવી હતી કે મારા મૃત્યુ સમયે નૌશાદ અને જામનગર વાળા ચંદુ (ચંદુભાઈ બારદાનવાલા) સિવાય કોઈને ય આવવા ન દેતા. મિર્ઝા ગાલિબની ગઝલો અલબત્ત ઊર્દુ જ નહીં વિશ્વ સાહિત્યની ચિરકાલીન સંપદા છે. પરંતુ તેઓ ખાલી ખિસ્સે જીવ્યા અને મર્યા. તેમનું વીલ પણ શાયરાના જ હોય ને ? એટલે કે એક શેરમાં વીલની ઝલક જોઈએ શકાય ને ? ગાલિબે લખ્યું હતું – ‘ચંદ હસીનો કે ખતૂત, કુછ તસવીરે બૂતાં મેરે મરને કે બાદ ઘર સે એ નિકલા સામાન...’


0 comments


Leave comment