24 - કીર્તનિયો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હરિરસ કેરો રસિયો,
    હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.

આ ભવરણમાં ભમતાં ભમતાં,
તવ ચરણોમાં નમતાં નમતાં,
    લાધ્યો અમરતનો દરિયો. -
    હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.

પંખી ગાય, હું સૂર પુરાવું,
ભૃગગુંજના સંગ હું ગાઉં,
    અઢળક આંનદે ઢળિયો. -
    હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.

તાલ તાળી દઈ રંગ જમાવે,
સાંવરિયા શું સાધ મિલાવે,
    સંગ સુહાગી મળિયો. -
    હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.

ભક્તિ ન માંગુ, મુક્તિ ન માંગુ,
તવ લીલામય ભોમ ન ત્યાંગુ,
    જનમ જનમ નર્તનિયો. -
    હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.


0 comments


Leave comment