25 - વેપાર મારો- / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
દુજો ન કોઈ વેપાર,
વેપાર મારો હાલે ધમધોકાર.
એક જ ખાતું હરિવર કેરું,
ખતવું સહુ વહેવાર;
જમે બાજુએ સુમરન કીરતન,
બીજું બધુંય ઉધાર. -
વેપાર મારો હાલે ધમધોકાર.
ત્રાજવાં તોલાં એક જ માપનાં,
છાપમાં શ્રી મોરાર;
મુરલીધરની ધારણ ધરતાં
નફો અપરંપાર.-
વેપાર મારો હાલે ધમધોકાર.
મ્હેર કરે મહારાજ કે પૂરણ
થાય સરોદ ભંડાર;
લઉં સંકેલી હાટડી ને કરું
બાવન બજારને જુહાર. -
વેપાર મારો હાલે ધમધોકાર.
0 comments
Leave comment