27 - ખીલો મારો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ખીલો મારો નહીં રે ખસે :
મરમાળી માયા છો ને હસે :
ખીલો મારો નહીં રે ખસે.
મન, તારા મેલી દે મનસૂબા;
ઇંદ્રિયોના અળગા છે કૂબા;
હૈયું મારું હરિમાં વસે :
ખીલો મારો નહીં રે ખસે.
નહીં રે જ્યાં સુરાસુરની પોગ,
હરિવરે એવો દીધો યોગ;
મમતા, તું મિથ્યા કાઉં કસે !
ખીલો મારો નહીં રે ખસે.
નથી આમાં મારી કાંઈ વડાઈ;
દુનિયાને દીધી હરીએ દુહાઈ;
ધરબ્યો શું હરિનો ચસે !
ખીલો મારો નહીં રે ખસે.
0 comments
Leave comment