29 - સ્વપન પરોણે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સુંદર સ્વપન પરોણે રે
મારું જગ બદલાયું જોણે.
વાટ વિપદની વિષમ હતી ત્યાં
સમતા દીધી સોણે;
સ્મિતરેખા સળવળી રહી જયાં -
રગરગતું મન રોણે રે. -
મારું જગ બદલાયું જોણે.
આ નહીં, એ નહીં, એમ અવિરત
કર્યા કરેલ અકોણે;
એ મનને અવ અમરત લાધ્યું,
એય દેહના દોણે રે. -
મારું જગ બદલાયું જોણે.
અખિયનમાં અંજન અંજાયું
સુરમે કોઈ સલોણે;
સરોદ, સુંદરના સ્વપનાથી
કુરૂપ ટળીયું ટોણે રે. -
મારું જગ બદલાયું જોણે
0 comments
Leave comment