30 - રૂદો મારો રામહવાલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


રૂદો મારો રામહવાલે,
    બોલું એ તો મુખડે કાલે રે,
        રૂદો મારો રામહવાલે.

આંખ કહે, કેવું આભ છે નીલું,
    નીલ ધરા કુંજાર;
કાન કહે, કેવું કુંજન મીઠું,
    કંઠ કરે લલકાર :
    તોયે કોઈ ઊણપ સાલે રે.
        રૂડો મારો રામહવાલે.

લીન બની જોઉં વિશ્વની લીલા,
    સ્તબ્ધ સુણુ ધબકાર ;
મુગ્ધ શું ગાય, કહો મારા ભાઈ,
    પંડ ન પહોંચે પાર :
    ફોયા વિણ ફૂલ ન ફાલે રે.
        રૂદો મારો રામહવાલે.

કોક દી બેઠો હોઉં અકારણ
    સાવ બની સૂનકાર;
અંતરથી એની મેળાએ ઊઠે
    ભજનનો ભણકાર :
    ઝીલું એની ધૂન હું વ્હાલે રે.
        રૂદો મારો રામહવાલે.


0 comments


Leave comment