34 - મોજ મીણો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


તનડુ તપાવે તાપ ઝીણો રે,
    મનને ચડ્યો છે મોજ મીણો.

ચહુ મેર લાગે તાતો તપતો ઉનાળો;
મહીં લૂમઝૂમતો ઝૂલે આંબો રૂપાળો;
થરકી રહ્યો છે રસ થીણો રે. -
    મનને ચડ્યો છે મોજ મીણો.

ફળ કેરી વાંછા હૈયે જરીકે ન ડૂકે;
સોરમું સુવાસી જાખી જીવતર ઝૂકે;
રસ સ્વાદનારો લાગે હીણો રે. -
    મનને ચડ્યો છે મોજ મીણો.

અવ કોણ આંબો વેડે, મર પંખી ચૂગે;
હૃદયે ઊગેલો આંબો અંબર પૂગે;
ખપ હોય તે આ વેણ વીણો રે.-
    મનને ચડ્યો છે મોજ મીણો.


0 comments


Leave comment