35 - પીડ પરખી નવ જાય / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હીરા ને માણેક બહુ જન પરખે,
    પીડ પરખી નવ જાય રે હો જી;
જનમ જનમની પીડા પરખે
    સંત સાધુ ઓર સાંઈ -
    મેરા ભાઈ રે,
    પીડ પરખી નવ જાય રે હો જી.

તન કેરી પીડા ને મન કેરી પીડા,
    અંતરપીડ સવાઈ રે હો જી;
એ રે પીડને પીડ કોણ કહે
    જે રહે ગાણે ગવાઇ ? -
    મેરા ભાઈ રે,
    પીડ પરખી નવ જાય રે હો જી.

રોમ રોમ વિરહાતુર તલસે,
    ઝીણી અગન લગાઈ રે હો જી;
એક ઘડીનોય પોરો ન પાવે,
    એવી રામદુહાઈ : -
    મેરા ભાઈ રે,
    પીડ પરખી નવ જાય રે હો જી.

એવે ઊઘડે અમરત અખિયાં,
    પીડ એ પરમ કમાઈ રે હો જી;
દાસ સરોદને સદગુરુ મિલિયા,
    એની ગાઉં વધાઈ :-
    મેરા ભાઈ રે,
    પીડ પરખી નવ જાય રે હો જી.


0 comments


Leave comment