36 - હેલ મારી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ચારે કોર સાગરનાં પાણી,
    કે હેલ મારી ખાલી ને તોય ના ભરાણી.

ખારાં છે પાણી એવાં, ઊતરે નહીં ગળા હેઠ,
    હૈયે શકું એ કેમ આણી ?
ભરતી ને ઓટ તણી છત ને ઓછપે મારી
    રહીસહી મનસા તણાણી.
    કે હેલ મારી ખાલી ને તોય ના ભરાણી.

ઉપર આકાશ, નીચે સાગરનાં નીર, એમાં
    આઘેરી ભોમકા કળાણી;
મોટાં મસ મોજવામાં આગે વધવાને મથું
    ત્યાં તો મઝધાર લિયે તાણી.
    કે હેલ મારી ખાલી ને તોય ના ભરાણી.

ડૂબે છે હેલ, વળી ઊછળે છે હેલ, એમ
    જિંદગીઓ જાય છે જિવાણી;
હું રે સરોદ એમાં જુગજુગથી શોધી રહું
    મીઠા પાણીની સરવાણી.
    કે હેલ મારી ખાલી ને તોય ના ભરાણી


0 comments


Leave comment