37 - જાણ્યો તોય અજાણ્યો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


પૂરણ નથી પિછાણ્યો,
    અલખ ધણી જાણ્યો તોય અજાણ્યો.

મોરમુકુટ પીતાંબર ધારી
    કહીને ખૂબ વખાણ્યો;
મોહનવરની મુરલી કેરો
    મીણો નથી જ માણ્યો : -
    અલખ ધણી જાણ્યો તોય અજાણ્યો.

અલપઝલપ અખિયાંએ જોયો,
    તસ્વીરમાં નથી તાણ્યો;
ત્રણ ભુવનનો નાથ કહ્યો પણ
    મહિમા નથી પ્રમાણ્યો. : -
    અલખ ધણી જાણ્યો તોય અજાણ્યો.

કેમ ભલા અનહદનો અનુભવ
    હદમાં આવે આણ્યો ?
અલખધણી જ કરે કિરપા તો
    લખ મહીં એ લખાણો : -
    અલખ ધણી જાણ્યો તોય અજાણ્યો.


0 comments


Leave comment