9.3 - નાની વયે મૃત્યુ : જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે... / સંવાદ / જ્વલંત છાયા


    એક બાળકની ઉંમર હતી નવ વર્ષ. પરિવાર સાથે બાલ્બેકના અવશેષો જોવા ગયો ત્યારે એક માણસને જોઇને તેણે પ્રશ્ન કરેલો, ‘તું શું કરી રહ્યો છે ?’ અને લાભશંકર ઠાકરના દીર્ધકાવ્ય (લઘરો)જેવા માણસે જવાબ આપ્યો – ‘જીવન જોઈ રહ્યો છું.’ બલકે પૂછ્યું ‘બસ?’ અને તેને જવાબ મળ્યો – ‘શું એ જ પૂરતું નથી ?’ એ સ્થળે દોડતી વખતે બાળક ધ્રુસકે ધ્રુસકે રડ્યો. દસ વર્ષનો હતો ત્યારે ઈજા થવાને લીધે અઠવાડિયું પથારીમાં રહ્યો અને તે દરમિયાન ચેતનાનું જે ઝરણું પ્રગટ્યું તે આજ પર્યંત નદી થઈને વહે છે. તે વ્યક્તિએ પછી ફક્ત લેબોનોને જ નહીં, વિશ્વને પ્રેમ, મૃત્યુ, લગ્ન, બાળકો, વસ્ત્રો, ધર્મ જેવા અનેક વિષયો પર અગાધ જ્ઞાન આપ્યું – પ્રગાઢ ચિંતન આપ્યું તે વિભૂતિનું નામ હતું ખલિલ જિબ્રાન...

    હંગેરિયન માતા અને શીખ પિતાની પુત્રી-તેનું જીવન જ વર્ણવીએ અને ફક્ત નામ જ લઈએ તો ભેળસેળ થઇ જાય, અમૃતા એટલે પેલાં સાહિર અને ઇમરોઝ વાળાને ? શું ખબર નામનો ચમત્કાર હશે! બન્નેના વિચારો સ્પષ્ટ, અન્યોથી અલગ, ક્રાંતિકારી તો ખરાં જ. પરંતુ આ અમૃતા પ્રીતમ નહીં અમૃતા શેરગિલ. જેમની ચિત્રકળાની સાધનને આજેય વિશ્વ માણી રહ્યું છે. તેમની કૃતિઓને દેશની ધરોહર ગણવામાં આવે છે. અને બીજું બધું તો ઘણું લાંબુ થશે પરંતુ ચિત્રોના પ્રસંશકોનાં સેંકડો નામો એક તરફ રાખીને એક જ નામ લઈએ તો ય ઓ હો હો હો હો એવા ઉદ્દગાર સરી પડે તેવું નામ છે રવીન્દ્રનાથ ટાગોર.

    હિન્દુસ્તાન અને પાકિસ્તાનની સરહદની સાંગિતિક સધિયારો નુરજહાં કે મહેંદી હસન કે નુસરત ફતેહઅલી છે. તો તેનો સાહિત્યિક સધિયારો છે સઆદત હસન મન્ટોની વાર્તા, તેનાં પાત્રો આ રહ્યાં, યાર જીવે. ૧૦૦ થી વધારે રેડિયો નાટકો અને ફિલ્મીસ્ક્રીપ્ટ અને વ્યક્તિચિત્રો અને સમાજની નસોમાં વહેતું લોહીનું તો જાણે પરીક્ષણ!! સંગીત, કળા, સાહિત્ય કે કોઈ પણ ક્ષેત્રની સતેહ પર જેમના નામની આગળ એટલિસ્ટ છ-સાત દાયકાઓથી જેમના નામની આગળ લેઇટનું વિશેષણ લાગી ગયું છે તે અનેક લોકો આજેય જીવે છે. તેમની ચેતના આજેય જીવે છે અને મહત્વની તેમ જ મૂળ વાત એ છે એવાં ઘણાં નામો છે જેમના જીવનની અવધિ તદ્દન ટૂંકી હતીને તોય તેઓ મૃત્યુ પછી જીવી રહ્યા છે. જિંદગીમાં વર્ષો ઉમેરવાં સહજ પ્રક્રિયા છે. આ તમામ લોકો એવા હતા જેમણે પોતાને મળેલા વર્ષોમાં જિંદગી ઉમેરી હતી. જેનો અહીં ઉલ્લેખ છે તે ખલિલ જિબ્રાનનો જીવનકાળ ૪૮ વર્ષ. અમૃતા શેરગિલની વય દેહાવસાન વખતે ૨૯ વર્ષ અને મન્ટો નામની જીવંત વાર્તાનું છેલ્લું પ્રકરણ કુદરતે લખ્યું તેની જિંદગીના ફક્ત ૪૩માં વર્ષે ? આટલા ટૂંકા કહી શકાય તેવા ગાળામાં તેઓ કેટલું અને કેવું જીવી ગયા ? અને કારણ શું ? તેમને જન્મ વખતે એક્સપાયરી ડેઇટ સાથે મળી હતી ? ખબર હતી કે આટલાં જ વર્ષો છે આપણી પાસે ? નો સર! એવું કોઈને હોતું નથી. જીવનને ચાર આશ્રમમાં વિભાજીત કરીને જીવવાની થિયરી તેના સ્થાને સાચી છે બાકી આવતીકાલ ક્યાં છે જ ? અને ગઈકાલ તો હતી તે ગઈ-છે તે આજ અને અત્યારે એમ માનીને જે જીવે તે જ જીવે છે. આ બધા જીવો, ચેતનાઓ એવાં હતા જેમણે પોતાના જીવનની પ્રત્યેક પળ પોતાના ધ્યેય કે ધર્મને બીજા અર્થમાં કહીએ તો પોતાના જીવનને જ અર્પણ કરી અને તેથી જ તેમની ગણના ભલે સિનિયર સિટીઝનમાં ન થઈ પરંતુ તેઓ આ કાળમાં પણ ધબકી રહ્યાં છે.

    આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાના મોઢે બોલાયો છે તે સંવાદ ફક્ત ફિલ્મી વાત નથી, હકીકત  છે. ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહિએ બાબુ મોશાય.’ હા, આપણે સંમત છીએ બાબુ મોશાય. લાંબુ જિવાય, નિરામય જિવાય તો સારું જ છે. પરંતુ જીવવા અને જીવંત રહેવા વચ્ચે જે ફર્ક છે વો જાન લેના ભી જરૂર હૈ!! એક નહીં, બે નહીં, ત્રણ ચાર નહીં. એવા લોકોની યાદી ઘણી મોટી છે. જેમનું આયુષ્ય એટલે કે તેમના દેહના અસ્તિત્વનો ગાળો અન્ય લોકોની સરખામણીએ ઓછો હતો. તે છતાં તે લોકો વિશ્વને કેટલું બધું આપી ગયા!! કેટલાં વર્ષો જીવીએ તો જિવાયુ ગણાય ? બોડીની ઉંમર કેટલી થાય તો જીવન સાર્થક ગણાય ? છે કાંઈ જવાબ ? વ્યક્તિગત જવાબ હોઈ શકે પરંતુ આ સવાલનો જનરલ જવાબ કદાચ નથી. સામાન્ય ખ્યાલ એવો છે કે માણસ ૭૦-૭૫ વર્ષ પછી જે કાંઈ સિદ્ધ હાંસલ કરવી હોય- ખાસ કરીને આપણે ત્યાં ફાળકે એવોર્ડ કે ભારતરત્ન મેળવવું હોય તો વેન્ટીલેટર સુધી નહીં તો કમ સે કમ આઇસીયુ સુધી તો પહોંચવું જ પડે!!! પરંતુ એક મોટી યાદી એવી છે જેઓ જીવનના ત્રીજા-ચોથા દાયકામાં તો ‘કલ ખેલમેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા...’ કહીને જતાં રહ્યા. એવાં નામો છે કે જેઓ ઘણી વહેલી વિદાય લઈને ગયા અને તેથી એવું પૂછવાનું મન થાય કે આવડાં આયખાંમાં જો તેમણે આટલું બધું કર્યું તો વધારે જીવ્યા હોત તો શું થાત ? પરંતુ એ સવાલ જ અસ્થાને છે. એ જ તેમની નિયતિ હતી.

    સ્વામિ વિવેકાનંદને આપણે વૃદ્ધ કલ્પી શકીએ ? તેમનું મૃત્યુ ૩૯માં વર્ષે જ હોય!! આ દેશમાં વડાપ્રધાન ૮૦ વર્ષના હોય અને વડાપ્રધાન બનવાની ઇચ્છા ધરાવનાર ૮૪ વર્ષના હોય તે સતેજ છે. હિંદુ ધર્મનો પરિચય આખાં મુલ્કને કરાવનાર એ સંત કોઈ અભિપ્સા વગર ચેતના એક વિરાટ સ્ત્રોત મૂકીને યુવાન વયે પરમ ચેતનાનો હિસ્સો બની ગયા!!! વીજળીના ચમકારે મોતીડાં પરોવી જનારાં આવાં નામોની યાદ વાંચતા આપણી આંખોમાંથી ખુમારી પણ ઢોળાય અને આંસુ પણ છલકે. છાતી ગર્વથી ફૂલે અને ગળે ડૂમો પણ ભરાઈ જાય!! આઝાદીની ચળવળના સિતારા ખુદીરામ બોઝની ઉંમરે શહીદ સમયે ૧૯ વર્ષ હતી. ભગતસિંહ હતા ૨૪ વર્ષના. ૧૮૫૭ની ક્રાંતિમાં લડનારા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ જયારે વિરાંગનગતિ પામ્યાં ત્યારે તેઓ ૨૨ વર્ષના હતા અને મૃત્યુને ગળે લગાડ્યું તે સમયે મંગલ પાંડે ૨૦ વર્ષના હતા. ડેગ હેમરશીલ નામના ચિંતકે કહ્યું છે. ‘મૃત્યુ ચિત્રની એક ફ્રેમ છે. જેની વચ્ચે જિંદગીના રંગો ભરવાના છે. જેમની કીર્તિ અને કર્મો આકાશને આંબતા હતા તેવા કેટલાય વીરલાઓ કે પ્રેરણા પુરુષો-સ્ત્રીઓ કેટલાં વહેલા દફન થયા કે અગ્નિસંસ્કાર દ્વારા પંચમહાભૂતમાં વિલીન થયા’ મૃત્યુ ફક્ત તેમના શરીરને લઇ જઈ શક્યું, કર્મોને, કાર્યોને યોગદાનને નહીં!! અને કુદરતે નિયત કરેલા એ ક્રમને જાણે સંમતિ આપતાં હોય તેમ ફ્લોરા હોસ્ટિંગ્સ કહે છે, ‘હું યુવાવયે જ જો મૃત્યુ પામું તો તેથી દુખ ન પામશો. જીવન એ તેજ ગુમાવી દે તે પહેલાં ચાલ્યા જવું શું વધારે સારું નથી ?’

    અહીં જે વાત કરી છે તે બધાના કિસ્સામાં એવું જ બન્યું હતું. એમ.બી.એ. – સી.એ.ના ફોર્મસ ભરવાની ઉંમર હોય કે ગર્લફ્રેન્ડને મેઈલ-મેસેજ કરવાની ઉંમર હોય તે લોકો આઝાદીના લડવૈયા તો બરાબર કે ‘બાંધ લો અપને સર પે કફન સાથીઓ’ કરતા કરતા નીકળી પડ્યા હોય અને ‘રંગ દે બસંતી ચોલા’ કહેતા કહેતા માભોમ કાજે મર્યા હોય પરંતુ કેટલાય આધ્યાત્મિક પુરુષોએ પણ વહેલી એક્ઝિટ લઇ લીધી. શંકરાચાર્યે કહ્યું હતું, ‘પુન: અપિ જનમ, પુન: અપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ...’ પરંતુ એ શંકરાચાર્યનું આયુષ્ય તો ૩૩ વર્ષનું રહ્યું હતું, ચાર મઠ પર ફરકતી ધજા અને સનાતન ધર્મની દિગ્વિજયી પરંપરા તેમના હિમાલયમાં વિલીન થયાના યુગો પછી પણ જીવે છે. યોગ તો જોવો! નિર્માણ વખતે શ્રીમદ્દ રાજચંદ્રની ઉંમર પણ ૩૩ વર્ષના હતી અને ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર ચડાવ્ય ત્યારે તેઓ પણ ૩૩ વર્ષના હતા અને ૧૭મી ઓકટોબર, ૧૯૦૬-દીવાલ્લીના દિવસે સ્વામી રામતીર્થે ગંગા નદીના પ્રવાહમાં જળ સમાધિ લીધી તે પહેલાંની ક્ષણે તેમણે લખ્યું – ‘બ્રહ્મા, વિષ્ણુ, શિવ ઇન્દ્ર, ગંગા ભારત... મૃત્યુ મારો આ એક દેહ લઇ જાય તેની મને દરકાર નથી. ચંદ્રનાં કિરણોમાં દેહ ધારણ કરીને હું આનંદથી વિહરીશ. આ બીજા બધા મારા ભિમા ભિમા રૂપો છે...’ આ વિદાય વખતે તેમની વય પણ ૩૩ વર્ષ હતી. વર્ષ-જાણે કુદરતની સ્પેશલ કેટેગરી!! અમેરિકામાં રહીને પણ સંતત્વ પામનાર વોલ્ડન સરોવરમાં જેમણે ભગવદ્દ ગીતાના દર્શન થાય હતા તે હેન્રી થોરોએ પણ ૪૫ વર્ષે જીવનલીલા સંકેલી લીધી હતી.

    રાજકારણની વાત કરીએ તો જેમનું મૃત્યુ ફક્ત વડાપ્રધાન તરીકે જ નથી, વ્યક્તિ તરીકે પણ દુઃખદ હતું તે રાજીવ ગાંધીની ઉંમર તેમની હત્યા વખતે (કોંગ્રસીઓ તેને શહીદ ગણાવે છે.) ૪૬ વર્ષ હતી. અન્ય એક વુડ બી વડાપ્રધાન સંજીવ ગાંધી પણ ભારતના રાજકરણના આકાશમાં ઉલ્કાની જેમ આવ્યા. ચમક્યા અને ઓઝલ થઇ ગયા!!! કોગ્રેસના જ એવા બે આશાસ્પદ નહીં પરંતુ વિશ્વાસસ્પદ નેતા રાજેશ પાયલટ અને માધવરાં સિંધિયા પણ ન મરવાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. જેમના નામ પરથી આપણા ફિલ્મગીતકાર શૈલેન્દ્ર પોતાના પુત્રનું નામ સિમ્ફોનીઝ આજે ય ભારતના ફિલ્મગીતોમાં ગૂંજે છે તે મોઝાર્ટનું મૃત્યુ ૩૫ જ વર્ષની વયે થયું હતું. આ આખી યાદી સંપૂર્ણ નથી અને લેખના અંતે પણ નહીં થાય!! પરંતુ આવા નામોમાંથી પસાર થઈએ ત્યારે બહાદુરશાહ ઝફરનો શેર યાદ આવી જાય, ‘હુએ નામાંબર બે નિશાં કૈસે કૈસે, ઝમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે..’

    પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ ત્રણ કવિ એવા થઈ ગયા જેઓ આજે જીવતા કવિઓ પૈકી ઘણા બધા કવિઓ કરતાં વધારે સંભળાઈ, વંચાઈ અને સમજાઈ રહ્યા છે. એક તો લાઠીના રાજા તખ્તસિંહજીના બીજા નંબરના પુત્ર, કોટડાના રોહા ગામના જમાઈ સૂરસિંહ એટલે કે કલાપી. મૃત્યુ સમયે ઉંમર ૨૬ વર્ષ પૂરાં. અઢી દાયકાના આયુષ્યમાં તેમણે રાજ કર્યું, કવિતાએ લખી, પ્રવાસ કર્યો તેનું વર્ણન લખ્યું, હૃદય વલોવી નાંખે તેવા પત્રો લખ્યા. લગ્ન કર્યા અને પ્રેમ કર્યો!! શરાબ પીધો અને રામરસ પીધો – અધ્યાત્મની ઝલક મેળવી. વિદ્રાનોનો સંગ અને રાજનો રંગ બન્નેનો પરિચય કર્યો તે કલાપીની વિદાય સમી અને આજ સુધી રહસ્યમય રહી છે!! બીજા એક કવિ રાવજી પટેલ, તેમણે લખ્યું હતું, ‘ગયા ભવના ખીલા કળે છે છાતીમાં’ અને આ ભવે એમ પણ લખ્યું કે ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ રાવજી પટેલની વય તેમના અવસાન સમયે હતી ૨૯ વર્ષ-ગુજરાતી ભાષાના યુવા ગૌરવ એવોર્ડ મેળવવા સતત મથતા કવિઓ ગઝલોનાં ફાસ્ટેસ્ટ પ્રોડક્શન કરવાની મથામણમાં હોય છે, તેના પર કોઈનો આઇએસઆઇ માર્ક લાગે તેવા પ્રયાસોમાં હોય છે તે ઉંમરે રાવજીએ વિદાય પણલઈ  લીધી હતી- તળપદાની વહેતી સરિતાઓ જેવી કવિતાઓ અને સૈનિકનાં બાળકો જેવી વેધક-વેદક વાર્તાઓ લખી!! ગુજરાતના જ અન્ય એક કવિ જેમણે લખ્યું – ‘હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો, આ ભરી મહેફિલ મને ઊઠી જતાં ન આવડ્યું’ પરંતુ તેઓ મહેફિલ અધૂરી મૂકીને ૪૨ વર્ષની વયે જતાં રહ્યા અને આપણે કહેતા રહ્યાં જાણે-કે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા, પણ આખાં આ આયખાંનું શું ?’ યસ,.. એ કવિ એટલે જગદીશ જોશી.

    કેટલીક જિંદગીઓ એવી હોય છે જે પ્રિયપાત્રની સાંજની જેમ જલ્દી પૂર્ણ થઇ જાય છે પછી ક્યારેય આવતી નથી. હોલીવુડની રૂપગર્વિતા, સુસ્તના મેરેલિન મનરો, રોમેન્ટિક રાણી ડાયેના અને મોહક-માદક મધુબાલા તેમના ચાહકોના દિલો-દિમાગમાં આજેય જીવે છે. પરંતુ ત્રણેયના મૃત્યુ ઈત્તફાકન એક સરખી વયે – ૩૬માં વર્ષે થયાં હતા – મેનોપોઝમાં આવવાને પણ દોઢ દાયકો બાકી હશે ત્યારે!! નાની વયે મૃત્યુ પામનારની યાદીને હજી થોડી મોટી કરીએ તો શાસ્ત્રીય ગાયક ડી.વી.પેલુસ્કર ફક્ત ૩૩ વર્ષે મૃત્યુ પામ્યા હતા અને કલાકાર સંજીવકુમારની જિંદગીની ધી હેપી એન્ડ પણ ૪૯માં વર્ષે આવી ગયો હતો. સ્મિતા પાટીલે અણધારી વિદાય લીધી ત્યારે તેઓ ૩૧ વર્ષના જ હતા. અને તેમના આ અકાળે અવસાન સાથે એક કિસ્સો સંકળાયેલો છે. જયારે રાજ બબ્બરના પુત્રને જન્મ આપ્યા પછી સ્મિતનું સ્વાસ્થ્ય બગડ્યું અને તેમને જસલોક હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે ફિલ્મ નિર્માતા અનવરભાઈ અને દિગ્દર્શક કે.કે- આપણા કૃષ્ણકાંતને જે મનોપાત થયો તે તેમણે પોતાના પુસ્તક ‘ગુજરા હુઆ જમાના’માં આલેખ્યો છે. વાત એમ હતી કે ‘તિસરા કિનારા’ ફિલ્મનું શૂટિંગ ચાલું હતું. કે.કે તેના દિગ્દર્શક હતા. ફિલ્મના અંતે હીરોની પત્ની એટલે કે સ્મિતા પાટીલ મૃત્યુ પામે છે. પરંતુ એન્ડથી ટેવાયેલી પ્રજા માટે અંત ફેરવવાનો આગ્રહ રાજ અને સ્મિતાએ કર્યો. આખરે અંત ફર્યો પણ ખરો- પરંતુ કે.કે લખે છે, ‘ફિલ્મનો અંત તો અમે ફેરવી શક્યા, સ્મિતની જિંદગીનો અંત આટલો જલ્દી આવશે તે નહોતી ખબર!!’

    આ લિસ્ટ તો આમ ને આમ લંબાતું રહે. વાત આખરે એ છે કે માણસના જન્મની સાથે જ જો કોઈ વાત નક્કી થઈ જતી હોય તો તે છે મૃત્યુ. આનંદ ફિલ્મને ફરી યાદ કરીએ તો ‘જિંદગી ઓર મૌત ઉપરવાલે કે હાથ હૈ જહાંપનાહ, હમ સબ તો રંગમંચ કી કઠપુતલીયાં હૈ... કોન, કબ, કૈસે ઉઠેગા યે કોઈ નહીં બતા શકતા...’ આવું બધું આપણે વાંચતા, સાંભળતાં હોવા છતાં, કોઈ પણનું મૃત્યુ દુઃખદ હોય છે. કુરુક્ષેત્રની ભૂમિ પરથી ઉઠેલા મહાગાનના બીજા અધ્યાયના ૨૭માં શ્ર્લોકનું સ્મરણ થાય, જાસ્ય હિ ધ્રુવો મૃત્યુધ્રુવં જન્મ મૃતસ્ય ચ. જન્મેલાનું મૃત્યુ અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. પરંતુ જયારે ઘરની દીવાલો પર વધુ એક તસ્વીર લગાવવાની થાય, તેને હાર ચઢે ત્યારે આંખો ભીંજાય જ!! શોકસંદેશઓમાં એવો બોલાય કે ‘તેમની ખોટ ક્યારેય નહીં પુરાય’ ભલે સાવ એવું ન હોય. કોઈના અવસાનથી કોઈ ક્ષેત્રનું, પરિવારનું અંગ ભલે વિખૂટું ન પડે પરંતુ જે ઉઝરડા પડે તેને રૂઝ આવતા વાર તો લાગે જ. મનોજ ખંડેરિયાએ તેમના એક શેરમાં સ્પષ્ટ ડિફાઈન કરી દીધું છે કે શરીરનું મૃત્યુ એ વ્યક્તિનું, જીવનું, આત્માનું મોત નથી. તેમણે લખ્યું હતું –’ એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઇ જતાં મારી કાયા અને હું.’ કાયા જવાથી માણસ મરતો નથી પરંતુ એ એ જ આકારે, એ જ રૂપે આપણને મળતો પણ નથી. અને તેમાં ય નાની વયે આપણી વચ્ચેથી જાય તો વસમું ય લાગે. હા, એ નાની વય અહીં જે લોકોના નામોના ઉલ્લેખ કર્યો તેમના માટે ઘણી મોટી રહી જ એ પણ નક્કી પરંતુ આપણી વયે કેવડી અને કેટલી એ કોને ખબર છે ? સેમ્યુઅલ જ્હોનસેને એટલે જ એક સારી સલાહ આપી છે – ‘કામ એવી રીતે કરો કે તમે સો વર્ષ જીવવાના છો, પ્રાર્થના એવી રીતેકારો કે તમે આવતીકાલે મૃત્યુ પામવાના હો!!’


0 comments


Leave comment