15 - પ્રકરણ – ૧૫ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    નીલકંઠે ખુરશી ખેંચી, હાથમાંનાં પુસ્તક ટેબલ પર મૂક્યાં, શર્ટમાંથી પેત કાઢી અને તે ઊખડી ગયેલા રેક્ઝીનવાળી ખુરશી પર બેસી પડ્યો – એને લાગ્યું કે તે ઊંડે ઊંડે ઊતરતો જતો હતો. પછી પ્રયત્ન આંખો ઉઘાડી ટેબલ પર મૂકાયેલા કાગળિયાં પર ખાલી નજર નાખી. થોડાક શ્વાસોચ્છાસ લીધા-મૂક્યાં, અકારણ વોલક્લોક તરફ જોયું. પટ્ટાવાળો પાણી આપી જાય તો સારું એવો વિચાર આવ્યો, હવે પછી ચા ક્યારે પીવી તેનો અંદાજ બાંધ્યો, ત્યાં રોમા સંઘવી તેની તરફ આવતી જણાઈ, ‘એક્સક્યુઝ મી મિ.પુરોહિત, પણ-‘ તેનો અવાજ સંભળાયો; મધુર હતો, પણ રોજ સાંભળવાને પરિણામે તેની મધુરતા હવે માણી શકાતી ન હતી. કોઈ પણ વાતની શરૂઆત ‘એક્સક્યુઝ મી’ શબ્દોથી કરતી રોમા તરફ નીલકંઠને અણગમો હતો; અકારણ, એ સમજતો હતો. એની વધારે પડતી સિન્સિયારિટીથી હવે તે કંટાળો અનુભવતો હતો. એની તાંત્રિક નિયમિતતાની ઠેકડી ઉડાવવાનું તેને મન થઈ આવતું. કોઈ પણ મુદ્દામાં ઊંડે ઊતરવાની તેની પ્રકૃતિ તેને ટીકાપાત્ર લાગતી હતી.... એ નજીક આવી એટલે નીલકંઠે માની લીધું કે કોઈક ખૂબ મહેનત માગી લેતો જટિલ મુદ્દો... એની ધારણા સાચી પડી. રોમા સંઘવીએ પરિશ્રમપૂર્વક વિગતો રજૂ કરી અને નીલકંઠનું માર્ગદર્શન માગ્યું. નીલકંઠ થોડીક ક્ષણો સુધી રોમા તરફ જોઈ રહ્યો. એની આંખોમાં ઊભરાઈ જતી ભારોભાર વફાદારીની એને દયા આવી – પોતે વળતી પળે તેને જે જવાબ આપવાનો હતો તેના સંદર્ભમાં. પણ દયાની એ લાગણીને ઘેરી બનવાની કશી તક આપ્યા વિના તેણે લુખ્ખા સવારે કહી દીધું : ‘ડૂ એઝ યુ લાઈક.’ અને રોમા સંઘવી પોતાની ક્ષુબ્ધતાને સ્મિતના પારદર્શક આવરણ હેઠળ છુપાવતી પોતાના ટેબલ પર ચાલી ગઈ ત્યારે નીલકંઠે નિરાંતનો શ્વાસ લીધો. તેણે પેપરવેઇટ નીચે દબાઈને પડેલાં કાગળિયાં હાથમાં લીધાં. જાહેરાતોના લેઆઉટ્સ પણ એણે જોઈ લીધાં. પછી એનું ગુજરાતી ભાષાંતર કરવા માટે તે સજ્જ થયો. એક જાહેરાત સાડીને લગતી હતી. કમ્મરની નીચે ઊતરી પડેલી સાડી પહેરેલી કોક સુંદરીનો બ્લોક મોજૂદ હતો. એની આસપાસ એણે થોડાક રૂપાળા શબ્દો મૂકી દેવાના હતા. નીલકંઠે શબ્દો યાદ કરવા માંડ્યા. પણ મગજ જાણે કામ કરતું અટકી પડ્યું હતું. ‘મનમોહક છટા’, ‘ચિત્તાકર્ષક અદા’, ‘પ્રલોભક રૂપકલા’, ‘આપની કમનીય કાયાનો શ્રેષ્ઠતમ શણગાર’, ‘પ્રિયતમાની પ્રશંસાપૂર્ણ દૃષ્ટિનું નયનરમ્ય નજરાણું....’

    આદતને જોરે એણે આવા ઘસાઈ ગયેલા જોડા જેવા phrases યાદ કરી જોયા, પણ એથી કશો સંતોષ ન વળ્યો. તેણે જાહેરાતમાંના પેલા મોડેલના બ્લોક પર ફરીથી નજર નાખી, ક્યાંય સુધી એ જોઈ રહ્યો. મોડેલના ચહેરા ઉપર મઢાયેલું ધંધાદારી સ્મિત, શરીરના વળાંકોનું અપ્રસ્તુત પ્રદર્શન કરવાનો એનો ઉત્સાહ, સ્વયં મોડેલ મોડેલને નેપથ્યમાં નાખી દેતી સાડીની ડિઝાઈનનું પ્રાધાન્ય.... અને છતાં કોઈ શબ્દો સૂઝતા ન હતા – તાજાં ફૂલો જેવા એણે ફરીથી પ્રયત્ન કરી જોયો : લલનાના લાવણ્યની ઋતુબહાર’.... ‘શરબતી સુંદરીના શરીરસૌંદર્યને શોભવતી સુરમ્ય સાડી.... રેશમી રમણીની ઋજુતા રીઝશે આ સાડીના ઉપહારથી’.... અણગમો વધતો ગયો. તેણે એક નજર રોમા સંઘવી પર નાખી – કદાચ એને જોઇને તાજા શબ્દો સ્ફૂરે ! રોમાની પેન કાગળ પર સડસડાટ ચાલતી હતી, એણે એનો નીચલો હોઠ દાંત વડે સહેજ દબાવ્યો હતો, એનાં ચશ્માં નાક પર જરાક નીચાં ઊતરી આવ્યાં હતાં, એણે પહેરેલી સાડી જૂની હતી એ એના ઝાંખા પડી ગયેલા રંગ પરથી જણાઈ આવતું હતું. નીલકંઠે નજર ખેંચી લીધી અને ફરી જાહેરાતના લે-આઉટ પર મન કેન્દ્રિત કર્યું, પણ... વિચારો ગીધના જૂથની જેમ મનના આકાશમાં ઊતરી આવ્યા : ‘આ શબ્દો... શબ્દો... શબ્દો – ઊંધો પડીને અસહાય બનીને તરફડતા વાંદા જેવા, ઉપયોગ પછી ફેંકી દેવાયેલા ફ્રેન્ચ લેધર જેવા, ભરઉનાળે જ ખોટકાઈ પડેલા ઊંચી સીલીંગ પર લટકતા પંખા જેવા ! અને એ શબ્દોમાંથી પોતાને રોજી રળવાની ?... નીલકંઠને ઊબકો આવવા જેવું થયું. એણે જાહેરાતમાંના મોડેલના ચિત્ર ઉપર દૃષ્ટિ કરી. ઓળખતો હતો એ આ મોડેલને – માત્ર નામથી – રૂપાલી બેનરજી. કોઈક મેગેઝીનમાં એનો પરિચય વાંચ્યો હતો – વરસોવાની એક ચાલમાં રહે છે, એનો પતિ ટેક્સી ચલાવે છે, એને બાળકો નથી – કદાચ થવા જ નહિ દીધાં હોય, જેથી Vital statistics ની સૃષ્ટિ તેને ધકેલી ન મૂકે. એકાદ ફેશન પરેડમાં એને પ્રત્યક્ષ પણ જોઈ હતી. અને જોતાં જ તેણે અરુચિની કંપારી અનુભવી હતી – એનું હસવું આવે એવી લટકમટકતી ચાલ, આછાં કપડાંયે અતિરેક જેવા લાગે એ પ્રકારની સજાવટ, ફ્લડ લાઈટના પ્રકાશધોધને સહારે એનાં રોમરોમ પર કાનખજૂરાની જેમ ફરી વળતી સેંકડો પ્રેક્ષકોની ભૂખી નજર – અને ત્યારે એનો પતિ ટેક્સીના ભાડા માટે વર્લી કે ગ્રાન્ટરોડ કે તારદેવ પર કોઈક પ્રવાસી સાથે ઝઘડો કરી રહ્યો હશે અને રૂપાલી બેનરજીના પેટમાં કદાચ કદી ન જન્મનારા બાળકનો અમૂર્ત ગર્ભ કણસતો હશે અને એના પતિની જાંઘોમાં અફળ રહેવા નિર્માયેલું પુરુષત્વ ફ્રેન્ચ લેધરોમાં ઠલવાઈને રગદોળાયું હશે....
(ક્રમશ:....)


0 comments


Leave comment