53 - મારી વાત / અશોક ચાવડા 'બેદિલ'


     મારે તમારી સાથે એક વીતેલો પ્રસંગ આજે ઊજવવો છે અને એ પ્રસંગ છે કાવ્યસર્જનની શરૂઆતનો. છંદોલય ઘૂંટતાં ઘૂંટતાં શરૂ કરેલ પા...પા... પગલી...પગલાં સુધી વિસ્તરશે કે કેમ? એની ચિંતા કર્યા વગર સતત લખતો રહ્યો છું. કુટુંબમાં કાવ્યકર્મ કરવાનું મારા જ ભાગ્યમાં જ લખાયું છે. અભ્યાસ અને અન્ય સામાજિક-આર્થિક વિટંબણાઓની શિલાઓ વચ્ચે મારામાં કવિતાનું મીઠું ઝરણું અવિરત વહેતું રહ્યું છે તેનો મને આનંદ છે. કવિ ભીડમાં પણ એકલો હોય છે એવું ઘણી વાર અનુભવ્યું છે. મારી અંદર રહેલી એકલતાએ મને કોર્યો છે અને પરિણામ સ્વરૂપ જડી છે કવિતા. ભૂતકાળમાં લખાયેલ ઘણા શે'ર વર્તમાનમાં અક્ષરશઃ સાચા પડતા જોયા છે એથી કદાચ એવું કહેવામાં અતિશ્યોક્તિ નહીં લાગે કે મારી ગઝલ મારા જીવનનું પ્રતિબિંબ છે.

     'ગઝલ' મને અતિ પ્રિય એવો કાવ્યપ્રકાર છે. એનું કારણ એની દાવા-દલીલ છે અને આ દાવા-દલીલને પરિણામે જ ગઝલ બોલચાલની બાની ધરાવે છે. ગઝલ ગમવાનું કારણ કવિએ કવિએ જુદું હોય એમાં ના નહીં, પણ ગઝલના પાંચે શે'ર સ્વતંત્ર હોવાને લીધે એક ગઝલ બરાબર પાંચ કવિતા – એ તથ્ય હજુ ઘણા લોકો સ્વીકારતા નથી. હા, એ માનવું રહ્યું કે પાંચેપાંચ શે'ર એક જ ભાવ નિરૂપતા હોય તોય તે ગઝલ તો બને જ છે.

    મને ગઝલ ગમવાનું કારણ સીધું ને સરળ છે. એકદમ ક્લિક થતા શે'ર. બે પંક્તિના શે'રમાં કવિ એવી વાતો મૂકી શકે છે જેને અન્ય સાહિત્યપ્રકારમાં મૂકવી હોય તો પાનાં ઉપર પાનાં ભરવા પડે. મારા મતે 'ગઝલ' એક 'પંચ'થી (મુક્કો) ઓછી શક્તિશાળી નથી. પાંચ આંગળી જેવા પાંચ શે'ર વારાફરતી વધતી-ઓછી માત્રાએ માનસપટલ પર અંકાયઅને લાગણીઓને હચમચાવી દે, એ પ્રક્રિયા જ અનોખી છે.
વર્તમાન ગઝલની પાટી એ હદે ભરાયેલી છે કે નવા ગઝલકારે નવો એકડો ઘૂંટવા મથામણ કરવી જ પડે. આ મથામણમાંથી પસાર થવાનો લહાવો મેંય લીધો છે. ગઝલસર્જન વખતે મારી લાગણીઓ મારા સુધી સીમિત ન રહે એનો ખ્યાલ રાખવાનો મેં પ્રયત્ન કર્યો છે. સરળતા, પ્રવાહિતા અને નવીનતા – આ ત્રણ સીમાડા બાંધી હું ગઝલમાં પરોવાયો છું. ક્યાંક નવી અનુભૂતિ લાવવાનો પ્રયાસ છે તો ક્યાંક પરંપરાનું અનુસરણ. આમાંથી તમને જે ગમશે તે મને પણ ગમશે.

    મારી ગઝલયાત્રામાં મને મારા ગુરુજનો, સહાધ્યાયીઓ, સાથી કવિમિત્રો અને પરિવારજનોનું પ્રોત્સાહન ઘણું ઉપયોગી નીવડ્યું છે. એ બધાનો હું ઋણી રહીશ. જેમણે મને અને મારી કવિતાને પ્રેમ કર્યો છે તેમનો હું આભાર માનું છું અને સાથે સાથે જેમણે મને અને મારી કવિતાને પ્રેમ નથી કર્યો એમનો પણ આભાર માની વિરમું છું.

૧૫, ઑગસ્ટ ૨૦૦૩
- અશોક ચાવડા 'બેદિલ'


0 comments


Leave comment