1 - બીજી આવૃત્તિ વેળાએ / પગલાં તળાવમાં / અશોક ચાવડા 'બેદિલ'
એક વીતેલો પ્રસંગ મારે ઊજવવો છે ખુદા,
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
'મરીઝ' સાહેબનો આ શે'ર બીજી આવૃત્તિવેળાએ સહજ સ્મરાઈ જાય છે. ૨૦૦૩માં પાડેલાં પગલાં ૨૦૧૨માં પુનઃ પડી રહ્યાં છે ત્યારે આનંદ અને વિષાદ બેઉ પ્રકારનાં સંવેદનોનો અનુભવ થાય છે. આનંદ એ વાતનો કે ગત વર્ષોમાં અનેક સાહિત્યરસિકોની સાથે રમેશ પારેખ જેવા વટવૃક્ષથી લઈ સાહિત્યમાં નવી કૂંપળ જેમ પાંગરતા શૈલેષ પંડ્યા સુધીના કવિઓને આ સંગ્રહનું આકર્ષણ રહ્યું છે. અને હા, વિષાદ એ વાતનો કે ૨૦૦૩ની પા... પા... પગલી જો ૨૦૧૨માં જ પ્રકાશિત કરી હોત તો...! અલબત્ત, શૈશવનો મહિમા એક બાળક જ સમજી શકે છે એવું માની તળાવમાં કરેલ આ છબછબિયાં મને ગમે છે અને પુનઃ પ્રકાશિત થાય છે એ જ સૂચવે છે કે એ તમને પણ ગમે છે. સંગ્રહમાંની અનેક ગઝલોને અદકો આવકાર મળ્યો છે.
આ નવી સંવર્ધિત આવૃત્તિમાં આ સંગ્રહ વિશે લખાયેલાં અવલોકનો અને આસ્વાદો સમાવિષ્ટ છે, જે માણવાં ગમશે. આ અદ્યતન આવૃત્તિમાં ગઝલનો અંતિમ પાઠ છે આથી સંપાદકોએ કોઈ કૃતિના ચયન માટે આ સંવર્ધિત આવૃત્તિ જ ધ્યાનમાં લેવી તેવી મારી વિનંતી છે. વેદના-સંવેદનાને વય હોતી નથી માટે નવા લૅ-આઉટ સાથે જૂનાં સંવેદનો માણવાં ગમશે જ એવી આશા સાથે પુનઃ સહુ ગુરુજનો, સહાધ્યાયીઓ, સાથી કવિમિત્રો, વાચકમિત્રો, વિવેચકો, આસ્વાદકો અને પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર.
અંતે બસ એટલું જ કે મુરબ્બી મનહરકાકાની હયાતીમાં જ રન્નાદે પ્રકાશન સાથે સંબંધ બંધાઈ ગયો. ગુજરાતી સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયેલા આ સંગ્રહને મુ. મનહરકાકાએ મુખ્ય વિક્રેતા તરીકે ૨૦૦૩માં આવકાર્યો હતો, અને આજે દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ રૂપે હંમેશભાઈ રન્નાદે પ્રકાશન દ્વારા જ પુનઃ પ્રકાશિત કરે છે, એનો વિશેષ આનંદ છે.
૨૩, જૂન ૨૦૧૨
- અશોક ચાવડા 'બેદિલ'
- અશોક ચાવડા 'બેદિલ'
0 comments
Leave comment